વિજય દાસ બનીને રહેતો હતો મોહમ્મદ
શરીફુલ ઇસ્લામ શહેઝાદ
મુંબઈ, તા.19: પટૌડી ખાનદાનના
નવાબ સૈફ અલી ખાન પર ઘરમાં ઘૂસીને હુમલો કરનારો આખરે પકડાઇ ગયો છે અને તે ભારતમાં ગેરકાયદે
ઘૂસણખોરી કરીને હિન્દુ નામે રહેતો હોવાનું પોલીસની તપાસમાં જણાયું હતું. પોલીસે આ મામલે
ભારતમાં વિજય (બિજોય) દાસ બનીને રહેતો મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહેઝાદ નામનો શખસ પકડી
પાડયો હતો, જેની ધરપકડ થાણેથી કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની 12 ટીમ સહિત કુલ
30 ટીમ આરોપીને પકડવા માટે સક્રિય કરવામાં આવી હતી. હુમલાના ચાર જ દિવસની અંદર પોલીસને
સૈફ પર ચાકુના 6 ઘા કરનારા બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીને
કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે
આરોપી બંગલાદેશી છે. તેવામાં ક્યા હેતુથી સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો અને હુમલો કર્યો
તેની તપાસ જરૂરી છે. પોલીસ સૂત્રો અનુસાર આરોપીએ પોલીસની શરૂઆતી તપાસમાં આરોપ કબુલી
લીધો છે.
નામ બદલીને રહેતો હતો
આરોપી મોહમ્મદ શરીફુલ વરલીના
કોલીવડામાં ભાડાંના ઘરમાં રહેતો હતો અને તે પણ નામ બદલીને વિજય(બિજોય) દાસ તરીકે રહેતો
હોવાનું પોલીસને પૂછપરછમાં જણાયું હતું. પોલીસે વિજય ઉપરાંત ત્રણ વધુ આરોપીઓની ધરપકડ
કરી હતી.
ફોન ટ્રેકિંગથી પકડાયો
ફોન ટ્રેકિંગ અને પોલીસે કરેલી
તપાસ અને પૂછપરછ બાદ આરોપી થાણેમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આખા વિસ્તારને
ઘેરી લીધો હતો અને ત્યાર પછી મોહમ્મદને તાબામાં લીધો હતો. પોલીસે જણાવ્યા અનુસાર તે
વરલીના કોલીવડા વિસ્તારમાં રહેતો હતો.
આરોપી ગેરકાયદે બાંગ્લાદેશી
9 ઝોનના ડેપ્યુટી કમિશનર અૉફ
પોલીસ(ડીસીપી) દિક્ષીત ગેડમે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આરોપી
બાંગ્લાદેશી છે અને તેની પાસે ભારતમાં રહેવા માટે કોઇપણ કાયદેસરના દસ્તાવેજો નથી. અમુક
પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેના પરથી સિદ્ધ થાય છે કે તે બાંગ્લાદેશી છે. તે
પાંચથી છ મહિના અગાઉ મુંબઈ આવ્યો હતો. તે એક હાઉઝકિપીંગ એજન્સી સાથે કામ કરી રહ્યો
છે. તેના કારણે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો ઉપરાંત પાસપોર્ટ એક્ટ હેઠળ
પણ ગુનો નોંધવામાં આવ્યો છે.