ગેસનાં
બાટલાનાં વિસ્ફોટો વચ્ચે દૂર સુધી કાળો ધુમાડો અને જ્વાળાઓ દેખાઈ : બપોર પછી લાગેલી
આગ ઉપર કલાકોમાં કાબૂ મેળવી લેવાયો : જાનહાનિ ટળી
મુખ્યમંત્રી
યોગી ઘટનાસ્થળે દોડી ગયા, મોદીએ પણ સ્થિતિની જાણકારી મેળવી
નવીદિલ્હી,
તા.19: ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલતા ભારત અને સનાતન ધર્મનાં સૌથી મોટા પર્વ
મહાકુંભ મેળાનાં ક્ષેત્રમાં આવેલા શાત્રી બ્રિજ હેઠળ આવતા પંડાલોમાં ભીષણ આગની દુર્ઘટનાને
પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ આગ મેળનાં સેક્ટર 19માં ગેસનાં બાટલા ફાટતા લાગી
હોવાનું કહેવાય છે પણ હજી સુધી આગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. તેમાં 250 જેટલા
તંબુઓ બળીને રાખ થઈ ગયા હતાં. સદભાગ્યે આમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આશરે 1પથી 16 જેટલા
અગ્નિશામક વાહનોની મદદથી આગ ઉપર મહામહેનતે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના પછી
મુખ્યમંત્રી યોગી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને વડાપ્રધાન મોદીએ પણ સ્થિતિની
જાણકારી મેળવી હતી.
આ દુર્ઘટનાની
મળેલી પ્રાથમિક જાણકારી અનુસાર મહાકુંભનાં સેક્ટર 19માં શિબિરની અંદર રાખવામાં આવેલા
ગેસ સિલિન્ડરમાં ઉપરા-ઉપરી થયેલા વિસ્ફોટ અને શોર્ટ સર્કિટનાં કારણે લાગી હતી. આ ધર્મ
સંઘની છાવણી હોવાનું કહેવાય છે. આગની ચપેટમાં અનેક તંબુઓ આવી ગયા હતા અને પવનનાં કારણે
આગ ઝડપથી પ્રસરવા લાગતા ભારે દહેશત અને નાસભાગ મચી ગઈ હતી.
સેક્ટર
19માં લાગેલી આ આગ તીવ્ર ગતિએ સેક્ટર 20 તરફ આગળ વધી ગઈ હતી અને તેમાં ગીતા પ્રેસ ગોરખપુરની
છાવણી પણ ચપેટમાં આવી ગઈ હોવાનું કહેવાય છે. ઝડપથી પ્રસરેલી આગ ઉપર કાબૂ મેળવવા માટે
તાબડતોબ ફાયરબ્રિગેડનાં ડઝનબંધ વાહનોને દોડાવી દેવામાં આવ્યા હતાં. બીજીબાજુ આગ વચ્ચે
ગેસનાં બાટલાઓ પણ ધડાકાભેર ફાટતા રહ્યા હતાં. આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી આકાશમાં
કાળો ધુમાડો અને આગની જ્વાળાઓ ઉઠતી જોઈ શકાઈ હતી.