• બુધવાર, 12 માર્ચ, 2025

ડીપસીક : તક, પ્રેરણા અને ચેતવણી

કૃત્રિમ બુદ્ધિમત્તા અને યંત્રમાનવના (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ--એઆઈ) ક્ષેત્રે ધરતીકંપ કહી શકાય તેવી ક્રાંતિ આવી છે. ચીનના એક અજાણ્યા ઇજનેર  લિયાંગ વેનફેન્ગે અમેરિકાની સિલિકોન વેલીના માંધાતાઓની ઊંઘ હરામ કરી દીધી છે તો ભારત જેવા ઉદયમાન દેશોના બુદ્ધિધનને પ્રચંડ તક અને પ્રેરણા પૂરી પાડી છે. ચીની સ્ટાર્ટ-અપ ડીપસીકે ઓપન સોર્સ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું રિઝાનિંગ મોડેલ આર1 બજારમાં મૂક્યું છે જે હરીફ અમેરિકન મોડેલો કરતાં ઘણી ઝડપથી તૈયાર કરી શકાય છે, ક્યાંય ઓછું ખર્ચાળ છે અને એમના જેવું જ કામ આપે છે. ચેટજીપીટી, ગ્રોક, કલાઉડ, લામા અને અન્ય એલએલએમ (લાર્જ લેંગ્વેજ મોડેલ) તૈયાર કરવા માટે કરોડો ડોલર ખર્ચાયા હતા, જયારે ડીપસીક માત્ર 56 લાખ ડોલરમાં બન્યું છે. અમેરિકન મોડેલોમાં ઉચ્ચ કક્ષાની હજારો ગ્રાફિકલ પ્રોસાસિંગ યુનિટ્સ (જીપીયુ) વપરાઈ છે જયારે આર1 તેનાથી ઘણી ઓછી અને નીચલા છેડાની ટેક્નોલોજીવાળી ચિપ્સમાંથી બન્યું છે. આર1નો કોડ ઓપન સોર્સ છે અને તેમાં એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ ઉપલબ્ધ હોવાથી કોઈ પણ વ્યક્ત તેને ચકાસી અને બદલાવી શકે છે અને કોઈ પણ પ્રોગ્રામર તેના પર આધારિત એપ્લિકેશન રચી શકે છે. બજારમાં મળતાં કોમ્પ્યુટરોમાં તેને બેસાડી શકાય છે. આર1 મોડેલ  ડેવલપરો, રિસર્ચરો અને સંસ્થાઓ પાસેથી દર દસ લાખ ઇનપુટ ટોકન દીઠ 0.55 ડોલર અને દસ લાખ આઉટપુટ ટોકન દીઠ 2.19 ડોલર ચાર્જ કરે છે, જયારે ઓપનઆઈ ઇનપુટ ટોક્નના 15 ડોલર અને આઉટપુટ ટોકનના 60 ડોલર ચાર્જ કરે છે. ડીપસીકનું મોડેલ ઓપન સોર્સ હોવાથી ઘણા ગ્રાહકોને તો તે મફતમાં મળશે. એઆઈનો ઉપયોગ હવે લાખો ડોલર ખર્ચી શકે તેવી કંપનીઓ કે સંસ્થાઓ પૂરતો સીમિત નહિ રહે. તે વ્યાપક વપરાશનું સામાન્ય સાધન બનવાના માર્ગે છે.

અમેરિકાએ ચીનને અદ્યતન ચિપ્સ વેચવા પર પ્રતિબંધ મૂક્યા તેને ચાતરી જઈને ચીને આ નવું મોડેલ વિકસાવ્યું છે. તેથી અમેરિકાના પ્રતિબંધોની અસરકારકતા સામે સવાલ ઉઠે છે. ડીપસીકે પોતાની પદ્ધતિ ઓપન સોર્સ કોડ મારફત ખુલ્લી કરી દીધી હોવાથી ઓપનએઆઈ, ગૂગલ, મેટા અને અન્ય એઆઈ ડેવલપરોએ એની કેટલીક ખાસિયતો પોતાનાં મોડેલોમાં સામેલ કરી લેવી પડશે. આને કારણે સિલીકોન વેલીમાંથી હવે જે એઆઈ મોડેલો બહાર પડશે તે વધુ શક્તિશાળી અને ચડિયાતાં હશે, પરંતુ અન્ય દેશો પણ તેની સામે સ્પર્ધા કરે તેવાં મોડેલો રજૂ કરશે. એઆઈ ક્ષેત્રે અમેરિકાની સરસાઈ કદાચ કાયમ માટે અદ્રશ્ય થઇ ગઈ છે.  ચીન સંડોવાયેલું છે એટલે માહિતીની ગુપ્તતા, ડીપસીકના કાર્યની ગણવત્તા અને વાસ્તવિક ખર્ચ અંગે શંકાઓ રહેવાની. પરંતુ એઆઈ ક્ષેત્રે ચીન હવે માત્ર અનુયાયી નથી રહ્યું એ નવી વાસ્તવિકતા છે. 

ભારત માટે આ ઘટના તક, ચેતવણી અને પ્રેરણાનું મિશ્રણ છે. અમેરિકા ચીન પર ચાવી વધુ ટાઈટ કરે તે પહેલાં ભારતે તેની બાજી ગોઠવી લેવી પડશે. ઓછા ખર્ચે મૌલિક સંશોધન માટે ભારત પ્રખ્યાત છે. ભારતીય ઇજનેરો વિદેશી ટેક્નોલોજી આત્મસાત કરીને તેને ધાર્યો ઘાટ આપવામાં કાબેલ છે. ભારત સરકારે આ ક્ષેત્રે નિયમન વ્યવસ્થાની રચના અને ઘરઆંગણે લાર્જ લેંગ્વેજ મોડેલ તૈયાર કરવાની પહેલ કરવી જોઈએ. આ વર્ષના બજેટમાં રૂ. 500 કરોડના ખર્ચે એઆઈ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની જાહેરાત એક પ્રોત્સાહક પગલું છે. ટેક્નોલોજી ડેવલપરો અને સરકાર વચ્ચે એઆઈનાં નૈતિક પાસાં અંગે ચર્ચા શરુ થવી જોઈએ. બેકારી બહુ વધાર્યા સિવાય ઉદ્યોગધંધામાં એઆઈનો ફળદાયી ઉપયોગ કઈ રીતે વધારી શકાય તેની વિચારણા હાથ ધરવી જોઈએ. ડેટા સેન્ટર ક્ષમતામાં થયેલો વધારો, વિશાળ સ્થાનિક બજાર અને મોટા ડિજિટલ અર્થતંત્રને કારણે ભારત પાસે આ અતિ મહત્ત્વના ક્ષેત્રે પ્રગતિનું કેન્દ્ર બનવાની શક્તિ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક