પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રના સમર્થનમાં યોજાયેલી રેલીએ ચોંકાવ્યા
કાઠમંડુ, તા.11 : ભારતના પાડોશી દેશ નેપાળમાં ફરી એકવાર રાજાશાહી લાગુ કરવાની માગ દિવસેને દિવસે જોર પકડી રહી છે. દરમિયાન એક આશ્ચર્યજનક બનાવમાં નેપાળની રાજનીતિમાં યોગી-યોગીની ગૂંજ ઉઠી અને જાહેરમાં પોસ્ટર લહેરાવાતાં ઘેરા પડઘા પડયા છે.
નેપાળમાં પૂર્વ રાજા 77 વર્ષિય જ્ઞાનેન્દ્ર શાહ ફરી એકવાર સક્રિય થયા છે. રવિવારે કાઠમંડુમાં તેઓ એરપોર્ટે લેન્ડ થયા તો તેમના સ્વાગત માટે સમર્થકો ઉમટી પડયા અને રેલી યોજી હતી. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી નેપાળમાં રાજાશાહી ફરી લાગુ કરવાની સમર્થક છે. તેના કાર્યકરો રેલીમાં ઉમટયા અને જ્ઞાનેન્દ્રના સમર્થનમાં નારા લગાવ્યા હતા. રેલી દરમિયાન રસ્તામાં પોસ્ટરો લહેરાવાયા હતા જેમાં જ્ઞાનેન્દ્ર સાથે ભારતના રાજનેતા યોગી આદિત્યનાથની તસવીર પણ હતી. જેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.