• બુધવાર, 12 માર્ચ, 2025

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક : 214 યાત્રી બંધક

બલૂચ લિબરેશન આર્મીએ ટ્રેક ઉડાડી ટ્રેન રોકી, 30 પાક. સૈનિકો ઠાર કર્યા : બલૂચ કેદીઓને મુક્ત કરવા 48 કલાકનું અલ્ટીમેટમ

સૈન્ય કાર્યવાહી થઈ તો ટ્રેન ફૂંકી મારવા સરકારને ચેતવણી

ઈસ્લામાબાદ, તા. 11 : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ એક આખી ટ્રેન મંગળવારે હાઈજેક કરી લીધી હતી. બીએલએએ કહ્યું હતું કે તેણે ટ્રેનમાં 214 યાત્રીને બંધ બનાવ્યા છે અને દાવો કર્યો હતો કે 30 પાકિસ્તાની સૈન્ય કર્મચારી ઠાર કરવામાં આવ્યા છે અને એક સૈન્ય ડ્રોન તોડી પાડયું છે. ટ્રેન હાઈજેક કર્યા બાદ બીએલએએ જારી કરેલા પોતાના નિવેદનમાં પાકિસ્તાનની શહબાઝ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે જો પાકિસ્તાની આર્મી કોઈપણ એક્શન લેશે તો તમામ બંધકોને ઠાર કરવામાં આવશે. બીએલએએ માગ કરી હતી કે, બંધકોના બદલામાં બળજબરીથી ગાયબ કરેલા અને ધરપકડ કરવામાં આવેલા બલૂચ કેદીઓને મુક્ત કરવામાં આવે. આ માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો માગ પૂરી નહીં થાય તો બંધકોને મારી નાખવાની ધમકી અપાઈ છે. જો કે આ મામલે મોડી સાંજ સુધી પાકિસ્તાની સેના કે પોલીસ તરફથી કોઈ ટિપ્પણી સામે આવી નહોતી.

બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા જેયંદ બલૂચે કહ્યું હતું કે, બલૂચ લિબરેશન આર્મીએ મશ્કફ, ધાદર, બોલનમાં એક સુનિયોજીત ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં બલૂચ સ્વતંત્રતા સેનાનીઓએ રેલવે ટ્રેકને ઉડાડી દીધો હતો. જેનાથી જાફર એક્સપ્રેસને રોકવી પડી હતી. બાદમાં બલૂચ સૈનિકોએ તરત જ ટ્રેન ઉપર કબજો કરી લીધો હતો અને યાત્રીકોને બંધક બનાવી લીધા હતા.

બીએલએએ પોતાના નિવેદનમાં શહબાજ શરીફ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે જો પાકિસ્તાની આર્મીએ કોઈપણ ઓપરેશન કરવાની કોશિશ કરી તો તેનું પરિણામ ગંભીર આવશે. તમામ સેંકડો બંધકોને ઠાર કરવામાં આવશે અને તેની જવાબદારી પૂરી રીતે પાકિસ્તાની સેનાની રહેશે. બીએલએએ આગળ કહ્યું હતું કે આ ઓપરેશન મઝીદ બ્રિગેડ, એસટીઓઁએસ અને બીએલએની સ્પેશિયલ યુનિટ ફતેહ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું છે. જેમાં કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીનો જોરદાર જવાબ આપવામાં આવશે.

આ ઉપરાંત બીએલએએ અંતિમ ચેતવણી જારી કરતા કહ્યું હતું કે, જો પાકિસ્તાની એરસ્ટ્રાઈક રોકવામાં ન આવે તો 100 બંધકોને મારવામાં આવશે. પાકિસ્તાની સેના, પોલીસ, આઈએસઆઈ અને એટીએફના જે કર્મચારીઓ પંજાબમાં રજા ઉપર છે તેને બંધક બનાવવામાં આવ્યા છે. મહિલા, બાળકો અને બલૂચ યાત્રીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની ગ્રાઉન્ડ ફોર્સે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવાની કોશિશ કરી હતી પણ બીએલએએ તમામને ખદેડી દીધા હતા.

શું છે બીએલએ ?

બલૂચ લિબરેશન આર્મી એક વિદ્રોહી અને સશત્ર આતંકવાદી સંગઠન છે. જે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં લાંબા સમયથી સક્રિય છે. આ પ્રાંતના લોકોનું માનવું છે કે તેઓને સંસાધનોનો લાભ મળતો નથી. બલૂચિસ્તાનની સ્વતંત્રતા અને ત્યાંના સંસાધનો ઉપર બલૂચ લોકોનો અધિકાર છે. બલૂચ લિબેરશન આર્મી મોટાભાગે પાકિસ્તાની સેના, સરકારી પ્રતિષ્ઠાન અને ચીની રોકાણ ધરાવતી પરિયોજનાઓ ઉપર હુમલા કરે છે.

બીએલએનો ઈતિહાસ

1974મા પાકિસ્તાન બન્યું ત્યારે બલૂચિસ્તાન સ્વતંત્ર રાજ્ય હતું. જો કે 1948મા પાકિસ્તાને બળપૂર્વક બલૂચિસ્તાનને પોતાનામાં સામેલ કરી લીધું હતું. બલૂચિસ્તાનના લોકો પોતાની રાજનીતિક અને સાંસ્કૃતિક ઓળખ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. 1970ના દશકમાં બલૂચ રાષ્ટ્રવાદીઓએ ઘણી વખત પાકિસ્તાનમાંથી અલગ થવાની કોશિશ કરી હતી. પાકિસ્તાને 1970મા એક મોટું સૈન્ય અભિયાન ચલાવ્યું હતું અને ઘણા બલૂચ નેતાઓ, સમુદાયોને પ્રતાડિત કર્યા હતા. આ બનાવ બાદ લોકોએ સશત્ર વિદ્રોહનો રસ્તો પકડયો હતો. 1970મા બલૂચ નેતા મીર હબત ખાન મારી અને તેના પુત્ર નવાબ ખૈબ બખ્શ મારીએ બીએલએની સ્થાપના કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025