એક સપ્તાહના વિશ્રામ પછી IPL ટીમ સાથે જોડાશે
નવી દિલ્હી, તા.11: રોહિત શર્માની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતની ડંકો લગાવીને ભારતીય ખેલાડીઓ શોર-બકોર વિના ચૂપચાપ પોતાના હોમ ટાઉન પહોંચ્યા છે. નવ મહિનામાં ભારતને બીજી આઇસીસી ટ્રોફીની ભેટ અપનાર કપ્તાન રોહિત શર્મા પરિવાર સાથે સોમવાર રાત્રે જ મુંબઇ પહોંચી ગયો હતો જ્યારે કેટલાક ખેલાડી સોમવારે રાત્રે અને મંગળવાર સવારે દિલ્હી અને મુંબઇ પહોંચ્યા હતા અને ત્યાંથી પોતાના હોમ ટાઉન રવાના થયા હતા. આઇપીએલ 22 માર્ચથી શરૂ થશે. એ પહેલા ખેલાડીઓને એક સપ્તાહનો વિશ્રામ મળશે.
બીસીસીઆઇના અધિકારીએ આજે સવારે જણાવ્યું છે કે મોટભાગના ખેલાડીઓ દુબઇથી રવાના થઇ ગયા છે. તેમણે એમ પણ જણાવ્યું કે બીસીસીઆઇ દ્વારા ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના સન્માન સમારંભના આયોજનની કોઇ યોજના નથી. આ પહેલા ટી-20 વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા થયા પછી મુંબઇમાં ટીમની વિકટ્રી પરેડ નીકળી હતી અને બાદમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે સન્માન અને ઇનામ સમારંભ યોજાયો હતો.
હેડ કોચ ગૌતમ ગંભીર અને ઝડપી બોલર હર્ષિત રાણા સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. રવિવારે રાત્રે જ વિરાટ કોહલીએ પરિવાર સાથે ટીમ હોટેલ છોડી હતી. તે જો કે મુંબઇ અને દિલ્હી નહીં અન્ય કોઇ સ્થળે વિશ્રામ માટે પહોંચ્યો હોવાના રિપોર્ટ છે. આઇપીએલમાં પંજાબ કિંગ્સની કપ્તાની કરનાર શ્રેયસ અય્યર આજે સવારે મુંબઇ પહોંચ્યો હતો. રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કેએલ રાહુલ પણ દુબઇથી મુંબઇ આવ્યા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફીની સમાપ્તિ બાદ હવે દરેક ખેલાડીએ તા. 16 માર્ચ આસપાસ તેમને ટીમ સાથે જોડાવાનું છે. આ પછી દરેક ટીમના 3-4 દિવસના કન્ડીશનલ કેમ્પના તેઓ હિસ્સો બનશે.