નવી દિલ્હી, તા. 11 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટા મોટા દાવા કરવા માટે જાણિતા છે. થોડા દિવસ પહેલા વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુક્રેનને યુરોપના ફંડીંગને લઈને દાવો કર્યો હતો. જેને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ ફગાવી દીધો હતો. હવે આવી જ સ્થિતિ ભારત સાથે પણ થઈ છે. તેમણે ભારત અંગે દાવો કર્યો હતો કે નવી દિલ્હીથી ભરોસો અપાયો છે કે અમેરિકી ઉત્પાદનોના આયાત ઉપર ટેક્સમાં કમી કરી દેવામાં આવશે. હવે આ દાવાને ભારતે ખારિજ કર્યો છે. વાણિજ્ય સચિવ સુનીલ બરથવાલે સંસદીય પેનલને કહ્યું છે કે આવી કોઈપણ પ્રતિબદ્ધતા અમેરિકા સામે જાહેર કરવામાં આવી નથી.
વાણિજ્ય સચિવે કહ્યું છે કે ટેરિફમાં કાપ જેવું કોઈપણ વચન ભારત તરફથી અમેરિકાને આપવામાં આવ્યું નથી. વિદેશ મામલાની સંસદીય સમિતિ સમક્ષ કહેવામાં આવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના મુદ્દે વાતચીત ચાલી રહી છે. વર્તમાન સમયે કોઈપણ પ્રકારનું ટ્રેડ અગ્રીમેન્ટ ફાઈનલ થયું નથી. સંસદીય સમિતિના ઘણા સભ્યોએ અમેરિકી રાષ્ટ્રપતિના દાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેના ઉપર બરથવાલે જવાબ આપતા કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિના દાવા અને મીડિયા રિપોર્ટસના આધારે કંઈપણ કહી શકાય નહી. વર્તમાન સમયે બન્ને દેશ વચ્ચે વાતચીત ચાલી રહી છે. ભારતે હજી સુધી અમેરિકા સાથે ટ્રેડ ટેરિફમાં કાપ અંગે કોઈ પ્રતિબદ્ધતા જાહેર કરી નથી.
વાણિજ્ય સચિવે એમ પણ કહ્યું હતું કે, અમેરિકા સાથે સમજૂતિમાં ભારતીય હિતોનું સંરક્ષણ કરવામાં આવશે. ભારત ફ્રી ટ્રેડની તરફેણમાં છે અને ઉદારતાની નીતિ અપનાવે છે. ભારતની કોશિશ છે કે બન્ને દેશ વચ્ચે કારોબારમાં વૃદ્ધિ થાય. ફ્રી ટ્રેડની વાત કરવામાં આવે છે તો સાથે એ પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે ટ્રેડ વોરથી કોઈના પણ હિતની સુરક્ષા થઈ શકશે નહી. તેનાથી મંદીની અસર આવી શકે છે. ભારત મનમાની રીતે ટેરિફમાં કોઈપણ કાપ કરશે નહી. ખાસ કરીને એવા ઉદ્યોગો ઉપર પુરતું ધ્યાન આપવામાં આવશે જે ઘરેલુ અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત ટેરિફ કાપ માટે દ્વિપક્ષીય વાર્તાને મહત્ત્વ આપે છે અને સાથે ધ્યાન રાખે છે કે રાષ્ટ્રીય હિત સાથે સમજૂતી ન થાય.