• બુધવાર, 12 માર્ચ, 2025

સૌરાષ્ટ્રમાં ભરઉનાળે ગંભીર જળસંકટના એંધાણ !

નર્મદાની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલને મેઈન્ટેનન્સ માટે બે માસ સુધી બંધ રાખવામાં આવશે તો રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, પોરબંદર જામનગર, દ્વારકા સહિતના શહેરોમાં વસતા લાખો લાખો પ્રભાવિત થશે

સરકારમાં રજૂઆત અર્થે રાજકોટ મનપાના પદાધિકારીઓના ગાંધીનગરમાં ધામા : ‘િચતામુક્ત’ રહેવાની બાંયધરી

રાજકોટ તા.11 : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં ઉનાળાના પ્રારંભ સાથે જ ગંભીર જળસંકટ સર્જાવાના એંધાણ નજરે ચડી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલી નર્મદાની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલને મેઈન્ટેનન્સ માટે બે માસ સુધી બંધ રાખવાની વાતો સામે આવતાં લાખો પ્રજાજનોને પાણી પ્રશ્ને હાલાકી વેઠવી પડે તેવા સંજોગો સર્જાયા છે જો કે, આજરોજ ગાંધીનગર રજૂઆત અર્થે દોડી ગયેલા મનપાના પદાધિકારીઓને સરકાર દ્વારા ‘િચંતામુક્ત’ રહેવાની હૈયાધારણા આપવામાં આવતાં તંત્રએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી વર્ષ 2002થી વિવિધ વિભાગોને સિંચાઈ તથા પીવાનું પાણી અવિરતપણે પુરુ પાડવામાં આવે છે. છેલ્લા 22 વર્ષથી 365 દિવસ કેનાલમાં 24 કલાક પાણીનો પ્રવાહ ચાલુ રહે છે. આથી ચાલુ પ્રવાહે કેનાલમાં આંતરિક રિપેરીંગ કામ શક્ય નથી જેના કારણે કેનાલમાં બ્રીક લાઈનો ઉખડી જવી, સીપેજ તેમજ લિકેજના પ્રશ્નો ઉભા થયાં છે અને જો સત્વરે તેનું રિપેરીંગ કરવામાં ન આવે તો નહેરમાં ભંગાણ પડે તેવા સંજોગો ઉભા થયાં છે. આ સમસ્યાના નિરાકરણ અર્થે કેનાલ રિપેરીંગનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર જો રિપેરીંગ કાર્ય હાથ ધરાશે તો તેને પૂર્ણ કરવામાં બે માસ જેટલો સમય લાગશે. નોંધનીય છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી ચાર લિન્ક મારફત 11 જિલ્લાના 115 જળાશયોને પાણીથી ભરવાનું કામ ચાલુ છે અને 10,22,589 એકરમાં સિંચાઈનો પણ લાભ મળે છે. જો આ કેનાલમાંથી પાણી આપવાનું બંધ થશે તો રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, પોરબંદર જામનગર, દ્વારકા સહિતના શહેરોમાં વસતા લાખો લાખો વધુ પ્રભાવિત થશે.

આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને આજરોજ મેયર નયનાબેન પેઢડિયા સહિતના મનપાના પદાધિકારીઓ રજૂઆત અર્થે ગાંધીનગર દોડી ગયાં હતાં. આ મુદ્દે સરકારના સબંધિત વિભાગના અધિકારીઓની સોમવારે બેઠક મળશે. હાલ પાણી પ્રશ્ને શહેરીજનોએ ‘િચંતામુક્ત’ રહેવાની બાહેધરી સરકાર દ્વારા આપવામાં આવી હોવાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025