• બુધવાર, 12 માર્ચ, 2025

ઉતાવળિયો દરઘટાડો

આશરે બે વર્ષ બાદ રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડ્યો છે. નવા ગવર્નર સંજય મલ્હોત્રા અને નવા સભ્યોની બનેલી નાણાનીતિ સમિતિએ રેપો રેટ 6.5 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો છે. સ્ટેન્ડિગ ડિપોઝિટ ફેસિલિટી અને માર્જિનલ સ્ટેન્ડિગ ફેસિલિટીના દરો પણ 0.25 ટકા ઘટાડાયા છે, પણ કેશ રિઝર્વ રેશિયો ચાર ટકાએ યથાવત રખાયો છે. નાણાનીતિનો ઝોક પણ તટસ્થ જ રહેશે.

ગવર્નર મલ્હોત્રાએ કહ્યું છે કે ફુગાવાના સંયોગો એકંદરે અનુકૂળ છે. ખાદ્ય પદાર્થોના ભાવ કાબૂમાં રહેવાની સંભાવના છે. અત્યાર સુધીના ઊંચા દરોની અસર દેખાઈ રહી છે. આ વર્ષે સરેરાશ ફુગાવો 4.8 ટકા હશે અને આવતા વર્ષે તે ઘટીને 4.2 ટકા થવાની આશા છે. ખાસ કરીને સપ્ટેમ્બર 2025 ત્રિમાસિકમાં ગ્રાહક ફુગાવો ચાર ટકાના લક્ષ્ય પર આવશે. તેથી સમિતિએ સર્વાનુમતે રેપો રેટ ઘટાડવાનું નક્કી કર્યું છે.

શક્તિકાંત દાસ ગવર્નર હતા ત્યારથી રિઝર્વ બેન્ક પર વ્યાજદર ઘટાડવાનું દબાણ હતું, પણ તેમણે મચક આપી ન હતી. મલ્હોત્રાએ હોદ્દો સંભાળ્યો ત્યારથી તે દબાણ વધુ ભારે બન્યું હતું. દરઘટાડાની હિમાયત કરનારાઓનું કહેવું હતું કે આર્થિક વિકાસ ધાર્યા કરતાં પણ વધારે મંદ પડી ગયો છે. ગયા વર્ષના 8.2 ટકાની સામે આ વર્ષે તે 6.4 ટકા રહેવાનો સત્તાવાર અંદાજ છે અને આવતું વર્ષ પણ બહુ સારું નહિ હોય. પરંતુ રિઝર્વ બેન્કનું મૂળ ધ્યેય ફુગાવાને નાથવાનું છે. તેના માટે વિકાસ આનુસંગિક લક્ષ્ય છે. નાણાનીતિ સમિતિની ડિસેમ્બરની બેઠક બાદ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પરનો જકાત વધારો મોકૂફ રાખ્યો છે પરંતુ હજી પરિસ્થિતિ તરલ અને અનિશ્ચિત છે. ચીને અમેરિકાના માલ પર વળતી જકાત નાખી છે. ટ્રમ્પે યુરોપનો વારો કાઢવાની વાત કરી છે. અમેરિકામાં મોંઘવારી વધશે તો ફેડરલ રિઝર્વ દરઘટાડો મુલતવી રાખી દેશે. અમેરિકામાં ફુગાવો અને વ્યાજદર ઊંચા રહેવાની સંભાવના જોઈને ડોલર મજબૂત થઇ ગયો છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાથી ભારત માટે તેલ સહિતની આયાતો મોંઘી બનશે અને વિદેશી મૂડી બહાર ખેંચાઈ જશે. આ સંજોગોમાં નાણાનીતિ સમિતિએ વ્યાજદર ઘટાડવા માટે રાહ જોવી જોઈતી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક