છેલ્લા
થોડાં વર્ષ દરમ્યાન લગભગ દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી બાદ રાજકીય વિશ્લેષણમાં
મોટાભાગે કોંગ્રેસના નબળા દેખાવની ચર્ચા થતી હોય છે. આ વખતે દિલ્હી વિધાનસભાની ચુંટણીનાં પરિણામ બાદ
આપના રાજકીય ભાવિ અંગેની ચર્ચા છેડાઈ છે. સાથોસાથ ઈન્ડિ જોડણની પ્રાસંગિક્તા પણ ચર્ચાની
એરણે ચડી ચૂકી છે, આમ તો લોકશાહીમાં ચુંટણીના જય કે પરાજયનાં પરિણામ સ્વાભાવિક હોય
છે, પણ કોંગ્રેસ જેવો પક્ષ એકપણ બેઠક જીત્યા
વગર આમ આદમી પાર્ટી (આપ)ના સફાયાનો સંતોષ વ્યકત કરી શકે એ આપણી લોકશાહીની નવી તાસિર
દર્શાવી જાય છે.
દિલ્હીમાં
લાંબા સમય સુધી શાસન ચલાવીને રાજધાનીમાં પોતાની સામે કોઈ જીતી શકે નહીં એવો દવો કરી
ચુકેલા આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ખુદ પરાજીત થતાં હવે તેમની સામે સંખ્યાબંધ પડકારો
ઊભા થઈ રહ્યા છે. ભ્રષ્ટાચારની સામેનાં આંદોલન
અને પ્રમાણિક્તાનાં વચન સાથે અસ્તિત્વમાં આવેલી આપનો બહુ ટૂંકા ગાળામાં રકાસ થતાં હવે
તેનાં રાજકીય ભાવીની ચર્ચા ચાલી રહી છે.ભારતીય લોકશાહીમાં સ્વચ્છ અને ભરોસાપાત્ર વિકલ્પ
પૂરો પાડવાનો ઉદ્દેશ જાહેર કરીને રચાયેલી આ પાર્ટીનો પ્રામાણિક્તાનો દાવો ખોટો ઠરી
રહ્યો હોવાની છાપે આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આમ, તો આપને સતત બે ચૂંટણીથી જેટલો જબ્બર વિજય મળતો
હતો, તે આ વખતે એના જેવા ગંભીર પરાજયમાં પરિવર્તીત થયો છે. આ વખતે 43.પ7 ટકા મત મેળવીને 22 બેઠક પર જીત હાંસલ
કરી શકેલી આપને ભાગે સત્તા આવી નથી, પણ વિપક્ષના નેતાનું પદતો આવ્યું છે, પણ સૌથી મોટો
પડકાર કેજરીવાલને આપને જાળવી રાખવાનો અને પોતાની સામેના ભ્રષ્ટાચારના ગંભીર કેસોના
સામેનો છે. ખુદ કેજરીવાલ પરાજીત થયા છે અને
તેમની સામે કેસો ગંભીર સ્તરે છે તેવામાં આપ અકબંધ કઈ રીતે રહેશે તેના પર દેશની નજર
છે.
લોકસભાની
ચૂંટણી સમયે વિરોધપક્ષના ઈન્ડિ જોડાણનું ભાવિ પણ જોખમમાં જણાઈ રહ્યંy છે. લોકસભાની ચૂંટણીમાં ગાઈ વગાડીને કરાયેલા વિપક્ષી
એકતાના દાવા છતાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સામે પરાજીત થયા બાદ આ જોડાણની નેતાગીરીમાં
અવિશ્વાસની જાગેલી લાગણી દિલ્હીમાં આપના પરાજયમાં પરિણમી છે. આમાં સૌથી મોટો દોષ કેજરીવાલની રાજકીય રણનીતિ અને
તેમની નીતિરીતિને અપાઈ રહ્યો છે, પણ કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડીને ભાજપ વિરોધી
મતોનું વિભાજન કરાવ્યું તેનો આનંદ કોંગ્રેસી નેતાઓ જે રીત વ્યક્ત કરી રહ્યા છે તેનાથી
ઈન્ડિ જોડાણનાં ભાવી પરનાં જોખમનું પ્રમાણ વધારી રહ્યા છે. શક્ય છે કે, ઈન્ડિમાં કોંગ્રેસની બાદબાકી થઈ જાય
અને નવા નેતાને ધુરા સોંપાય. આવા સંજોગોમાં કોંગ્રેસના વિપક્ષના ચહેરા તરીકેની ઓળખ
સામે સવાલ ઊભો થઈ શકે છે, તો ઈન્ડિ જોડાણ કોંગ્રેસની વગર રાષ્ટ્રીય વિકલ્પ તરીકે કઈ
રીતે પોતાની ઓળખ ઊભી કરે છે, તે પણ એટલો જ જટિલ સવાલ થઈ શકે છે, આમ આવનારા સમયમાં આપની સાથોસાથ કોંગ્રેસની વિપક્ષી
નેતાગીરી અને ઈન્ડિ જોડાણનાં ભાવી અંગેના સવાલોના જવાબ આપો આપ સામે આવી જશે.