પેરિસમાં
મળેલા એઆઈ એક્શન શિખર સંમેલનની ચર્ચા વર્તમાન અને ભાવિ માટે ઘણી ઉપયોગી છે. અગાઉ જ્યારે
ટેક્નોલોજીની ચર્ચા નીકળતી ત્યારે ભારત મોટાભાગે અન્ય દેશોને અનુસરનાર દેશ ગણાતો. હવે
વૈશ્વિક પ્રવાહની સાથે ભારતના ટેક્નોક્રેટ્સ ચાલી-દોડી રહ્યા છે. અલબત્ત, તેમાં અગાઉની
કોઈ સરકાર કે વ્યક્તિનો દોષ જોવાની વાત નથી. આપણી અગ્રતાઓ અન્ય દેશો કરતાં અલગ હતી.
આપણી સામાજિક, ભૌગોલિક સ્થિતિ અને તેના પડકારો અલગ હતા. આજે હવે વિશ્વની સાથે ભારત
સમૂહ સ્વરમાં આવી વાત કરી શકે તે સ્થિતિમાં છે.
એઆઈ-
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમ્મેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે
એઆઈ એવી ટેક્નોલોજી છે જેનામાં વિશ્વને બદલી નાંખવાની તાકાત છે. એઆઈનો દુરુપયોગ પણ
કેટલી હદે થઈ શકે તેમ છે તે વાત કોઈથી અજાણી નથી. અત્યારે તો એઆઈનો ઉપયોગ હજી પ્રાથમિક
તબક્કે છે છતાં તેને કારણે જે પડકારો ઊભા થવાના છે તેણે માથું ઊંચક્યું છે. આ ઉચ્ચ
સ્તરીય ટેક્નિક સાથે સંકળાયેલી કંપનીઓ પોતાની રીતે તેને સંચાલિત કરતી હોવાનું પણ સ્પષ્ટ
દેખાઈ રહ્યું છે. આ ટેક્નિકનો મનફાવે તે રીતે ઉપયોગ ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે
કોઈ પ્રભાવી તંત્ર બનાવવું પડશે.
એઆઈ
પૂર્વે પણ આવી ટેક્નોલોજી સંદર્ભે અમેરિકાનો એકાધિકાર-વર્ચસ જાણીતાં છે. હવે જો એઆઈમાં
પણ એકાધિકાર સ્થાપિત થઈ જશે તો સમસ્યા મોટી થશે અને તેની સીધી અસર વિકાસશીલ કે ગરીબ
દેશોને થશે. જો કોઈ ટેક્નિકનો ઉપયોગ તટસ્થ રીતે થાય તો જ તે ઉપયોગી અને ઉપકારક બની
શકે. માનવજીવનને અનેક રીતે અસર કરી શકવાની પૂર્ણ સંભાવના ધરાવતા એઆઈ માટે આ અત્યંત
જરૂરી છે. હજી એક મોટો સમુદાય તેના ઉપયોગથી પૂર્ણ પરિચિત નથી. રોજગારીનું સંકટ ઊભું
થવાની આશંકા પણ એઆઈના આગમનની સાથે જ સતત વ્યક્ત થતી રહી છે. જો કે ભારતના વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીએ આ મુદ્દે અત્યંત સટિક સ્પષ્ટતા કરી છે.
મોદીએ કહ્યું કે એઆઈને લીધે નોકરીઓ જશે તેવો ડર રાખવાની
જરૂર નથી કારણ કે ઈતિહાસે આપણને બતાવ્યું છે કે ટેક્નોલોજીને લીધે કામ ક્યાંય જતું
નથી. સમયની સાથે નોકરીનો પ્રકાર-પ્રકૃતિ બદલાય છે. નવી તકો આવશે આપણે આપણા યુવાનોની
સ્કીલ અને રી-સ્કીલમાં રોકાણ કરવાનું છે. તેમણે કહ્યું કે ભારત એઆઈને અપનાવવાની સાથે
ડેટાની ગુપ્તતા અને ટેક્નોલોજી સંદર્ભનો કાયદો બનાવવા માટે પણ તૈયાર છે. અમે સાર્વજનિક
હિત માટે એઆઈ એપ્લિકેશન વિકસાવી રહ્યા છીએ. પેરિસના સમ્મેલનનું સહઅધ્યક્ષપદ સંભાળતાં
ભારતના વડાપ્રધાને કરેલી વાત અગત્યની છે. ભારત અને અન્ય દેશો વચ્ચે આ મુદ્દે એક વૈચારિક
સેતુ રચાઈ રહ્યો છે તે વાત સારી છે, હવે જરૂર છે એઆઈ સંદર્ભે એક સાર્વજનિક મંચ રચાય
જે તેના નિયમનની ભૂમિકા રચે.