• બુધવાર, 12 માર્ચ, 2025

નકસલવાદના મૂળ ઉપર પ્રહારની આવશ્યકતા

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ 2019 પછી નોંધપાત્ર રીતે બદલાઈ રહી છે તેનું પ્રમાણ ત્યાંના પ્રવાસીઓની વધતી સંખ્યા જ નથી. કલમ 370 દૂર થઈ પછી આતંકવાદીઓએ જ્યારે જ્યારે ઊંબાડિયાં કર્યાં ત્યારે તેનો સામનો આપણા સુરક્ષાદળોએ મક્કમતાથી કર્યો છે. જમ્મુ ક્ષેત્રમાં યાત્રાળુઓની બસ ઉપર હુમલા થયા તેવી ઘટનાઓ પણ બની તો સામે આતંકવાદ વિરોધી ઓપરેશન્સ ચાલુ રહ્યાં. હવે વારો નકસલવાદનો, પૂર્વોત્તરની હિંસાત્મક સ્થિતિનો છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 31 નકસલવાદીને સુરક્ષાદળે ખતમ કરી નાંખ્યા. કાર્યવાહી દરમિયાન બે જવાન પણ શહીદ થયા. જે માર્યા ગયા તે નકસલવાદીના ઈરાદા ખૂંખાર હતા. તેમની પાસેથી એઁકે-47, એસએલઆર, 303 રાયફલ જેવા ઘાતક શત્રો મળ્યાં. સુરક્ષાદળના આ ઓપરેશનના સમાચાર વહેતા થયા તે પૂર્વે થોડા અરસા અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રીએ ચેતવણી આપી હતી કે શત્રો મ્યાન કરો કે પછી ગોળીનો સામનો કરવા તૈયાર રહો. 2026 સુધીમાં નકસલવાદનો ખાત્મો કરવાનું એલાન તેઓ કરી ચૂક્યા છે.

નકસલવાદ સામેની લડાઈ પણ સરકાર કે સુરક્ષાતંત્ર માટે સહેલી નથી. હિમ્મતની સાથે તેમાં વ્યૂહરચના પણ એટલી જ મહત્વની છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નેતૃત્વમાં અર્ધસૈનિકદળ નકસલવાદ સામે મોરચો સંભાળે છે. જાસૂસની એજન્સીઓ મારફત મળતી માહિતી પરથી રાજ્યની પોલીસ રણનીતિ ઘડે છે. કેન્દ્રીય ગૃહમંત્રી ઉપરાંત ગૃહસચિવ, મુખ્યમંત્રી, પોલીસવડાની ઉપસ્થિતિમાં ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત રાજ્યોની બેઠક યોજાય છે. અહીં ફક્ત હુમલા કે લશ્કરી કાર્યવાહીની જ ચર્ચા નથી હોતી પરંતુ નકસલીઓ શરણે આવે તે માટે જે યોજનાઓ બને છે તેનો અમલ કેવો, કેટલો થયો, તેમાં શું બાધા આવે છે ? તેની પણ સમીક્ષા થાય છે. અર્ધલશ્કરીદળ જીવના જોખમે આ નકસલીઓની સામે લડે છે પરંતુ તેમને અપાતી સવલતોનું સ્તર શું તે પણ ચિંતનનો વિષય રહે છે.

આતંકવાદ કે એવી કોઈ પણ હિંસાત્મક પ્રવૃત્તિના મૂળમાં અહંકાર અને અભાવ બે સ્થિતિ હોઈ શકે, અહંકાર મોટા લોકોનો, સત્તાધીશોનો હોય અને અભાવ પ્રજાનો. વિદ્રોહ, હત્યા, અશાંતિની પાછળ ગરીબી, બેકારી, અન્યાય, શોષણ, આર્થિક-સામાજિક અસમાનતા જેવા તત્વો હોવાના જ. નકસલવાદીઓ પર ગોળીઓ છોડવાથી તેમને નિયંત્રિત કરી શકાય. નકસલવાદ નાબૂદ કરવા માટે ફક્ત શત્રો કામ નહીં આવે. છેવાડાના માણસ સુધી, અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ-આરોગ્યની સુવિધા પહોંચે, વીજળી, પ્રત્યાયન જેવા સાધનો મળે તો તેઓ પોતાને મુખ્ય સામાજિક પ્રવાહમાં ભળેલા જોઈ શકશે. નકસલવાદીને હટાવવા બંદૂકનો ઉપયોગ થઈ શકે, નકસલવાદ નાબુદ કરવા માટે તો સહાનુભૂતિ-સમાનાનુભૂતિ પણ જોઈએ. નકસલવાદનું મૂળ તૂટે તો જ તેની ડાળો સૂકાશે.

2026 સુધીમાં નકસલવાદનો અંત લાવવાની વાત કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી છે. પરંતુ તેના માટે કેન્દ્ર-રાજ્ય વચ્ચે સંવાદિતા- સંકલનની આવશ્યકતા છે. કોઈ એક રાજ્યમાં નકસલીઓ સામે કાર્યવાહી થાય તો તે નજીકના-સરહદી રાજ્યમાં છૂપાઈને રક્ષણ મેળવી લે છે. અન્ય રાજ્યની પોલીસ ક્યારેક સહયોગ આપે ક્યારેક ન આપે તેવી સ્થિતિ સર્જાય છે.

નકસલવાદને મૂળથી નાથવા માટે સશત્રદળોની કાર્યવાહીને સમાંતર આ ઉગ્રવાદની માનસિકતા પણ નિર્મૂળ થાય તેવા પગલાં લેવા પડે.  

 

ઇ-પેપરના નવા શુલ્ક