કેન્દ્રીય
બજેટમાં પહેલી તારીખે નાણામંત્રીએ જેની જાહેરાત કરી હતી તે આવકવેરા વિધેયક સંસદમાં
રજૂ થયું છે. આવકવેરાના ક્ષેત્રે એક નવો અધ્યાય આરંભાયો છે તેવું કહેવામાં અતિરેક નથી
કારણ કે આ બિલ-િવધેયકમાં સરળતાને કેન્દ્રમાં રખાઈ હોવાના સ્પષ્ટ સંકેતો સાંપડી રહ્યા
છે. 63 વર્ષ જૂના આવકવેરાના કાયદામાં બદલાવ આવી રહ્યો છે, તેની ભાષા સરળ થશે અને બિનજરૂરી
કહી શકાય તેવી કેટલીક જોગવાઈઓ દૂર થશે. 1961ના આયકર ધારામાં 1647 પાના હતા. નવું વિધેયક
622 પાનાનું છે. આ સરળીકરણ નવા ધારાની અત્યંત
અગત્યની વાત છે. તેની ભાષા સામાન્ય લોકો પણ સમજી શકે તેવી સાદી અને સંક્ષિપ્ત રખાઈ
છે.
નાણામંત્રી
નિર્મલા સીતારમણે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને અનુરોધ કરતાં કહ્યું કે આ બિલ ત્વરિતપણે
પ્રવર સમિતિને મોકલી આપવામાં આવે. સાથે જ તેમણે કહ્યું કે આ ધારાને લીધે કરસંહિતા અત્યંત
સરળ થઈ જશે. આવકવેરાના અધિકારીઓની સાથે કરવેરો ભરતા નાગરિકોને પણ તેનાથી રાહત થશે.
આ પગલું અત્યંત આવશ્યક હતું કારણ કે કરદાતાઓ જટિલ પ્રક્રિયા અને સંદિગ્ધ ભાષા, સરકારી
પારિભાષિક શબ્દોથી પરેશાન છે. સસંદીય સમિતિ પાસે આ આયકર બિલ જવાનું છે, તેના વિચાર
વિમર્શને લીધે કાયદો વધારે સરળ બને તેવી પણ શક્યતા છે. આવકવેરો દેશની તિજોરી માટે બહુ
મોટો આધાર છે તેથી તેની આવકનો-વસુલાતનો વ્યાપ વધવો જોઈએ તે પણ ઘણું જરૂરી છે.
દેશના
નાગરિકો સ્વેચ્છાએ આવકવેરો ભરે, તેમના મનમાં કોઈ પ્રકારનો ભય ન રહે તેવું વાતાવરણ સર્જવાની
આવશ્યકતા છે. આવકવેરા વિભાગ સામાન્ય માણસોને અકારણ અને જરૂરી ન હોય તેવા સવાલ-જવાબ
ન કરે, કોઈ ભૂલ હોય તો તેને પરેશાન ન કરે તે પણ જરુરી છે. આવકવેરા અધિકારીઓ કરદાતાઓને
કાયમ શંકાની નજરે જોતા બંધ થાય ત્યારે જ આ શક્ય છે. નાણામંત્રીએ અંદાજપત્રમાં 12 લાખ
સુધીની આવક મર્યાદાને કરમુક્ત કરી દીધી છે તેનાથી દેશમાં સંતોષનું વાતાવરણ છે હવે જો
આ સરળીકરણ પણ અમલી બને તો તે સોનામાં સુગંધ જેવું કાર્ય થશે.
નવા
ઇન્કમ ટૅક્સ બિલમાં ટૅક્સ ફાઈલિંગથી સંકળાયેલી મુશ્કેલીઓને ઘટાડવાના પ્રયાસ દેખાય છે.
નવું બિલ જૂના બિલથી નાનું છે અને ઓછા શબ્દોમાં પ્રક્રિયાને યથોચિત રીતે સમજાવવાનો
પ્રયાસ થયો છે. બેશક, નવા કાયદાને સરળ, પારદર્શી રીતે સમજાવવાની સાથે ટૅક્સ ભરનારાઓને
અનુકૂળ બનાવવો, વિકસિત ભારતને અનુકૂળ કરવામાં થાય એવો કરાયો છે. એ સારી વાત છે કે
‘ફાઈનાન્શિયલ ઈયર,’ ‘પ્રીવિયસ ઈયર’, ‘એસેસમેન્ટ ઈયર’ જેવા શબ્દો માટે હવે ફક્ત ટૅક્સ ઈયર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.
નવા
કાયદાના અંતર્ગત સેના, અર્ધ સૈનિક દળ અને અન્ય કર્મચારીઓને મળતી ગ્રૅચ્યુટી ટૅક્સ મુક્ત
હશે. ચિકિત્સા, હોમ લોન, પીએફ, ઉચ્ચ શિક્ષણ માટે લોન પર ટૅક્સ પહેલાની જેમ ચાલુ રહેશે.
ઇન્કમ ટૅક્સ બિલ આ વર્ષે પસાર થઈ ગયું તો 2026માં લાગુ કરી દેવામાં આવશે. આમ થયું તો
2025નું વર્ષ ઇન્કમ ટૅક્સ બાબતમાં ઐતિહાસિક વર્ષ હશે. આ વર્ષે 12 લાખ રૂપિયા સુધીની
આવકને ઇન્કમ ટૅક્સથી મુક્તિ મળી છે. આનો અર્થ એ થયો કે વર્ષે બાર લાખ રૂપિયા સુધીની
આવક સામાન્ય બાબત છે. અહીંથી દેશની એક નવી વિકાસયાત્રા શરૂ થાય છે.