• બુધવાર, 12 માર્ચ, 2025

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

કવિ જયંત પાઠકની કવિતાની આ આરંભ પંક્તિ ગુજરાતની હવામાં ભળી ગઇ હોય એની પ્રતીતિ થઇ  રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વન્ય પ્રાણી દિવસે જગપ્રસિધ્ધ ગિર જંગલ અને વિશ્વ કક્ષાના પ્રાણી સંગ્રહાલય -ચિકિત્સાલય વનતારામાં ઉપસ્થિત રહ્યા. જાણે આ દિવસની યથોચિત ઉજવણી તેમણે કરી,  સિંહના બચ્ચાંને દૂધ પીવડાવતા હોવાના તેમના વીડિયો તસવીરો સોશિયલ મીડિયામાં છવાયા અને સાસણમાં સિંહ દર્શન પણ તેમણે ર્ક્યુ. વડાપ્રધાનની આ તસવીરો અને તેમણે ગુજરાત પ્રવાસ દરમિયાન જે કાર્યવાહી કરી તેમાં મોટો  સંદેશ છે અને તે છે વન્ય સંપદાની જાળવણીનોં તે સંદેશ છે પર્યાવરણને પૂર્ણપણે સાચવવાનો.

વડાપ્રધાન ગુજરાતમાં આવ્યા તે પૂર્વેના બે દિવસ અગાઉ ગિરમાં સિંહની વર્તમાન વસતીની સંખ્યા જાહેર થઇ. 674 સાવજની ડણક ગિરમાં ગાજે છે આ વર્ષના મે માસમાં બે મહિના પછી સિંહની વસતી ગણતરી થશે. સંખ્યા 700થી વધે તેવી પૂરતી શક્યતા છે. ગિર અને તેમાં પણ મધ્ય ગિર- સાસણમાં 2010ના વર્ષ પછી સિંહ સંવર્ધનની પ્રક્રિયા અત્યંત ગંભીરતાથી થઇ છે. ભારત સરકારે એશિયાઇ સિંહોના સંવર્ધન માટે ‘પ્રોજેક્ટ લાયન’ નામે યોજના માટે રૂ.2900 કરોડ મંજૂર કર્યા છે આગામી એક દાયકા માટે આ રક્મની ફાળવણી છે.

ગિરમાં સિંહ અને અન્ય પ્રાણી-વનસ્પતિનું સંવર્ધન અને સંરક્ષણ સારી રીતે થઇ શકે તે માટેની સરકારની નિસબત અહીં સ્પષ્ટ થાય છે. ગિરમાં ‘લાયન સફારી’ પૂર્વે વડાપ્રધાન રિલાયન્સ નિર્મિત વિશ્વ સ્તરના પ્રાણી સંગ્રહાલય ચિકિત્સાલય વનતારામાં ગયા, અડધો દહાડો ત્યાં  રહ્યા અલબત્ત, તે સરકારી પ્રકલ્પ નથી પરંતુ પ્રાણી સંવર્ધનની નોંધપાત્ર પ્રવૃત્તિના તેઓ સાક્ષી બન્યા.

ઉલ્લેખનીય છે કે એશિયાટિક સિંહને સૌરાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશના કૂનો પાલપુર ખસેડવાની વાત હતી ત્યારે ગુજરાત સરકારે તેમાં સંમતિ દર્શાવી નહોતી. સિંહ આજે પણ સાસણની- હવે તો બૃહદ ગિરની શોભા છે. 2022માં આફ્રિકાથી ચિત્તા ભારતમાં લાવવાનું આંતરદેશીય સ્થળાંતર પણ થયું. હવે આ ચિત્તાને કચ્છના બન્નીમાં વસાવવાની વિચારણા ચાલુ છે, એ વાત પણ છેક ચિત્તાના મૃત્યુ પણ બે વર્ષમાં થયાં હતાં.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરિસરમાં પણ પ્રાણી સંગ્રહાલય, વનસ્પતિની વિવિધતા છે. ગુજરાતમાં માળખાંકીય સુવિધાની સાથે નૈસર્ગિક વારસો જાળવવાની દિશામાં આ પગલાં છે.

ગુજરાત પાસે મોટો વનવારસો છે. ગિર, બરડો, પોળોના જંગલ, કચ્છનું નાનું રણ કે નળ સરોવર અને ખિજડીયા જેવા સ્થળોએ પ્રાણી-પક્ષીઓની જૈવિક વિવિધતા પીરોટન જેનો ટાપુ છે. આ બધાની જાળવણી અત્યંત જરૂરી છે. સિંહ-માનવ સહ અસ્તિત્વ માટે સઘન પ્રયાસ થયા છે. વડાપ્રધાનની તાજેતરની મુલાકાત પછી ‘ડોલ્ફિન’ની સંખ્યા પણ જાહેર થઇ છે. ગુજરાતના દરિયાકાંઠે 680 ડોલ્ફિન હોવાનું તારણ છે.

પોરબંદર પાસે બરડામાં સિંહને વસાવાયા છે, વાંકાનેર પાસે રામપરા વીડીમાં સિંહનું સંવનન કેન્દ્ર છે, સાસણમાં હોસ્પિટલ છે. પ્રવાસન ક્ષેત્રે પરિવન સહિતના થઇ રહેલા વિકાસની સાથે આ પગલાં લેવાઇ રહ્યાં છે.

વિશ્વ વન્યજીવ દિવસના અનુસંધાને વડાપ્રધાનની ગુજરાત મુલાકાત જંગલ અને તેમાં વસનારા જીવો માટે રાહતકારી છે. મોદીએ જંગલમાં આગ, માનવ- પશુ સંઘર્ષ જેવા પ્રશ્નો માટે અદ્યતન ટેકનોલોજીની હિમાયત કરી છે. નિ:સંદેહ આ બધા પ્રયાસો, યોજનાઓ આવકારદાયક છે. એની સાથે પશુ-પંખીઓનું સુરક્ષા છત્ર મજબૂત થવું જોઇએ. વન્ય સંપદા અંગેનો વડાપ્રધાનનો પ્રેમ દેખાયો છે. જંગલમાં વૃક્ષોનું છેદન, ખનિજ ચોરી જેવી પ્રવૃત્તિઓ ઉપર પણ સખ્ત નિયંત્રણ આવે તે જરૂરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક