દિલ્હી
હાઈ કોર્ટે સ્માર્ટ ફોનના ઉપયોગ અંગે આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે સ્માર્ટ ફોનનો
ઉપયોગ આજે શિક્ષણ માટે પણ થઈ રહ્યો છે. શાળામાં સ્માર્ટ ફોન પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકવો
ઉચિત નથી, પરંતુ ઉપયોગને નિયંત્રિત જરૂર કરી શકાય છે. આ ચુકાદા પર અલગ મત હોઇ શકે છે
પણ એકંદરે આ ચુકાદો વ્યવહારુ છે. શાળા માની શકે છે કે સ્માર્ટ ફોનના ઉપયોગથી શિસ્ત,
અનુશાસનનો ભંગ થશે. પરંતુ શાળાના સમયમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ નહીં કરવાનું કહેનારી
શાળાઓ ખુદ બાળકોને હોમવર્ક, સર્ક્યુલર વગેરે ફોન પર મોકલી રહી છે. વાલીઓને સોશિયલ મીડિયા
પર ગ્રુપ બનાવીને સાંકળવામાં આવી રહ્યા છે તે કેમ ભૂલી જાય છે?
પરીક્ષાના
સમયે શિક્ષકોને તો વિષયનું ‘અૉનલાઈન ગાઈડન્સ’ આપવા કહેવામાં આવે છે. સ્માર્ટ ફોન હોય
તેમાં કશું ખોટું નથી, તેનો અનિયંત્રિત ઉપયોગ ખોટો છે. સ્માર્ટ ફોન માટે એક શિસ્ત,
ઉપયોગ ઉપર નિયંત્રણ જોઈએ અને આની શરૂઆત ઘરથી જ થઈ શકે છે. પરંતુ આ અપેક્ષા બાળકોથી
રાખવામાં આવે તે ઉચિત નથી. આજે આવશ્યક્તા છે કે દરેક ઘરમાં ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનના
ઉપયોગને લઈ પણ નિયમ બનાવવામાં આવે. જો અભ્યાસના કલાકો નક્કી કરી શકાય છે તો ઈન્ટરનેટ
અને સ્માર્ટ ફોનના ઉપયોગને પણ નિયંત્રિત કરી શકાય.
માનસશાત્રીઓ
કહે છે કે આપણે બાળકો પાસેથી એ વ્યવહારની અપેક્ષા રાખીએ છીએ જેનો આપણે ખુદ અમલ નથી
કરી શક્તા. આપણે દિવસભર સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીએ છીએ, સોશિયલ મીડિયા પર સમય વિતાવીએ
છીએ અને બાળકો પાસેથી આવું નહીં કરવાની આશા રાખીએ તો બાળકોમાં વિદ્રોહની ભાવના વધશે.
ફોનમાં
સેફ્ટી સેટિંગ્સ હોવું જોઈએ. આ વિષય પર અધ્યયન નથી થતું, ઘરમાં ઈન્ટરનેટને કેવી રીતે
નિયંત્રિત કરી શકીએ એની માહિતી નથી. ભવિષ્યમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ શિક્ષણના કાર્યમાં
ખૂબ વધુ થશે. આના ઉપયોગને લઈને બાળકો અત્યારથી અનુશાસિત થશે તો આ તેમના માટે બહેતર
રહેશે. શાળામાં વાલીઓ-શિક્ષકોની મિટિંગની જેમ એક સમય કાઉન્સેલિંગ માટે પણ નક્કી થવો
જોઈએ. વાલીઓ અને બાળકોને સાચો માર્ગ દાખવવો આવશ્યક બની ગયું છે.