• બુધવાર, 12 માર્ચ, 2025

પોલીસના સંયમ સામે ફરી સવાલ

સુરતમાં આજે બનેલી એક ઘટનાથી પોલીસનો સંયમ, પ્રજા માટેનો અભિગમ સહિતની અનેક વાતો ફરી સપાટી ઉપર આવી છે. એક તરફ પોલીસ કર્મચારીઓ ઉપર વધતો તણાવ, સ્ટાફની ઓછી સંખ્યા અને વધારે કામ જેવા અનેક મુદ્દા છે તો બીજી બાજુ આવી ઘટનાઓ છે. સુરતમાં વડાપ્રધાનના આગમન પૂર્વે તેમના કાફલા માટે પોલીસ રિહર્સલ કરી રહી હતી ત્યારે એક કિશોર ભૂલથી વચ્ચે આવી જતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરે તેને માર માર્યો હતો. વાયરલ થયેલા આ વીડિયોની સર્વત્ર ચર્ચા છે. કેટલાક પાસા આ અંગે વિચારવા જેવા છે.

પ્રથમ તો જ્યારે આ ઘટના બની ત્યારે વડાપ્રધાનનો તે કાફલો આવતો નહોતો. પોલીસ તેનું આાઁગતરું આયોજન કરી રહી હતી એટલે આ પ્રક્રિયાનો હેતુ જ એ છે કે જ્યારે વીઆઈપીની મુલાકાત હોય ત્યારે આવું કંઈ બને તો સ્થિતિ કઈ રીતે સંભાળવી? આ બાળક-િકશોર વચ્ચે આવ્યો તે પણ પોલીસ માટે તાલીમ અને રીહર્સલનો જ હિસ્સો ગણાય. અચાનક આવું કંઈ થાય ત્યારે  શું કરવું? તેના માટે જ મોકડ્રિલ થતી હોય. વીઆઈપી બંદોબસ્ત છે, રીહર્સલ છે તેવી ખબર આ કિશોરને કદાચ ન પણ હોય. આવા સમયે પોલીસ તણાવમાં હોય, તેમને વ્યવસ્થા જાળવવાનું ટેન્શન હોય જ પરંતુ તે ઊંચા સાદે, જરા હળવેથી હાથ પકડીને વચ્ચે આવનારને ખસેડી શકે.

કોઈ પ્રતિબિંધિત વસ્તુ સાથે કોઈ ઘૂસી જાય, વયસ્ક હોય અને કોન-વેની આડે ઉતરે તો બરાબર છે પરંતુ વીડિયોમાં જે દેખાય છે તેની વય ઘણી નાની છે. મોરબીથી બંદોબસ્ત માટે ગયેલા પીએસઆઈ બી.કે. ગઢવીએ તેને પકડીને તેના માથાના ભાગે માર માર્યો હોવાનું વીડિયોમાં દેખાય છે. પોલીસ ડિપાર્ટમેન્ટે તેમનો એક ઈજાફો અટકાવી દેવા નોટીસ પણ આપી છે. પીએસઆઈ કે અન્ય પોલીસકર્મી પર કામનું ભારણ એક મુદ્દો છે પરંતુ તેથી તેનું આવું વર્તન યોગ્ય નથી. અગાઉ તો વડાપ્રધાનના કાફલા ઉપર મોબાઈલ ફોનનો ઘા થયો હતો. સ્વયં વડાપ્રધાન પણ આવી હરકતો કરનારને ક્ષમા કરી દેતા હોય તેવા કિસ્સા બન્યા છે. અહીં તો ફક્ત રિહર્સલ વખતે એક વ્યક્તિ આડે ઉતર્યો હતો.  ગંભીર બાબત એ છે કે આ કિશોરને પોલીસ સ્ટેશને લઇ જવાયો. શું સગીર સાથે આ વર્તન થઇ શકે ? તેનો એવો અપરાધ હતો ?

આ છોકરાને દૂર ખસેડીને પણ પીએસઆઈએ પોતાનું કામ કરી લીધું હોત તો વાત આટલી ચર્ચાસ્પદ બનત નહીં અને પોલીસની ઈમેજ સામે ફરી પ્રશ્ન ઊભો ન થાત.

 

ઇ-પેપરના નવા શુલ્ક