રાજ્યના 246થી વધુ તાલુકામાં
આજથી બે દિવસીય રવિ કૃષિ મહેત્સવનો પ્રારંભ
અમદાવાદ તા.6: બનાસકાંઠાના દાંતીવાડા
ખાતેથી આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવી કૃષિ મહોત્સવ-2024નો રાજ્ય વ્યાપી પ્રારંભ
કરાવ્યો હતો. આ અવસરે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠાસુઝથી કૃષિ ક્ષેત્રે
કરેલા સંશોધન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી
સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે
નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન તેમજ ખેડૂતલક્ષી વિવિધ
યોજનાઓના 11.48 લાખના લાભ - સહાય વિતરણ પણ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે
કર્યા હતા. મહત્વનું છે કે, રવી કૃષિ મહોત્સવ-2024 તા. 6 અને 7 દરમિયાન રાજ્યના
246થી વધુ તાલુકામાં યોજાવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
સ્પષ્ટપણે જણાવ્યું કે, વીજળી આપવાની ખેડૂતતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજન બદ્ધ
રીતે આગળ વધી રહી છે. આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની
નેમ પણ મુખ્યમંત્રીએ દર્શાવી હતી. ખેડૂતોને કઈક ને કઈ મુસીબત આવી જાય તો પણ ખેડૂત લાગેલા
રહે છે અને એનું પરિણામ પણ અત્યારે મળી રહ્યું છે. સરકાર ખેડૂતોની સાથે હંમેશા ઉભી
રહે છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું
હતું કે, કૃષિ ટેકનોલોજીથી વધુ ઉપજ મેળવવા અને ઓછી કિંમતે વધુ લાભનું માર્ગદર્શન કૃષિ
મેળામાં આપવામાં આવી રહ્યું છે. કૃષિનો વિકાસ દર શૂન્યમાંથી ડબલ ડિજિટ સુધી પહોંચ્યો
છે. ખેડૂતોને પોષણસમ ભાવ મળે તે માટે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે.
શાપુર સોરઠ: વંથલી ખાતે બે દિવસીય
કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને નવીનતમ ટેક્નોલોજી જ્ઞાન
મળી રહે તે માટે અને વિવિધ વિભાગોની સહાયકારી યોજનાથી માહિતગાર થાય તે માટે પ્રદર્શન
સ્ટોલ ઉભા કરવાના આવ્યા હતા. તેમજ બાકી રહેલા ખેડૂતોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં
આવ્યું હતું. આ બે દિવસીય કૃષિ મેળાને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, તાલુકા વિકાસ અધિકારી
હિતેશ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ અતુલભાઇ કોટડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો
મુકવામાં આવ્યો હતો.
ધ્રોલ : પટેલ સમાજ ખાતે જિલ્લા
પંચાયત જામનગરના પ્રમુખ મેયાબેન ગલતરના પ્રમુખ સ્થાને રવિકૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો
હતો. પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદાઓ અંગે આ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડુતો
બળદેવભાઇ ખાત્રાણી લતીપર તથા જયેશભાઇ બાથાણી સોયલ તરફથી ખેડુતોને યોગ્ય માર્ગદર્શન
આપવામાં આવ્યો હતો.
ગારીયાધાર: એપીએમસી ખાતે આજે
સવારે 9:00 કલાકે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં
અધિકારીઓ,પદાધિકારીઓ, આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા. આ મહોત્સવમાં ઉભા કરવામાં
આવેલા ખેડૂતલક્ષી ફોલોમાં ગારીયાધાર તાલુકાના ફાચરીયા ગામના ઉકાભાઈ વાલજીભાઈ સુવાગીયા
અને રૂપાવટીના ગોસ્વામી વિજયગીરી દલપતગીરી દ્વારા પોતાના ખેતરના પ્રાકૃતિક ખેતી પાકોના
સ્ટોલ મૂકવામાં આવ્યા હતા.
બોટાદ: જિલ્લામાં ચારેય તાલુકામાં
બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બોટાદના લાઠીદડ ખાતેથી
જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા તાલુકા કક્ષાનો કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. રવિ
કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અને સન્માન સન્માન પત્ર અર્પણ કરી
પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ કૃષિ વિષયક યોજનાઓના
લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કૃષિ
યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
જામકંડોરણા: તાલુકા કક્ષાના રવિ
કૃષિ મહોત્સવ-2024નો માકૅટીંગ યાડૅ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતના
પ્રમુખ મીરાબેન દેશાઈ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં
આવી હતી. લાભાર્થીઓને ચેક પેમેન્ટ ઓડૅરનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
દ્વારકા: જિલ્લાના તમામ તાલુકાઓમાં
મહાનુભવોની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેતીવાડી વિભાગની
વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે હુકમો વિતરીત કરાયા હતા.
મોરબી: જિલ્લામાં કૃષિ વિજ્ઞાન
કેન્દ્ર-ગોર ખીજડીયા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને રવિ
કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્ટેજ
પરથી ટ્રેકટર ઓપરેટર પ્રેયર, તાર ફેન્સીંગ, લેસર લેન્ડ લેવલર અને ટ્રેકટર સહિતના સાધન
સહાય યોજના અન્વયે 7 લાખથી વધુના પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું
હતું. નારણકાના પ્રગતિશીલ ખેડૂત હસમુખભાઈ કારોલીયા તથા હરીભાઈ કણઝારીયા દ્વારા પ્રાકૃતિક
ખેતીની સફળતા વિશે વિસ્તૃત વાત કરી હતી.
જામનગર: રવિ કૃષિ મહોત્સવ 2024ની જામનગર જિલ્લાના દરેક તાલુકાઓમાં
ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી કૃષિ વિષયક
માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધો હતો. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા
તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ ઉપસ્થિત રહયા હતા. કૃષિ મહોત્સવમાં
15 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ બે દિવસના
પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ અન્વયે કૃષિ સાધન સહાય
અંગેના હુકમોનું ખેડૂતો લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. નર્સરી, પશુપાલન તેમજ શાકભાજી
વાવેતર ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતો ભાઈઓ-બહેનોને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી
સન્માનિત કરાયા હતા.
વાંકાનેર: અમરસિંહજી હાઇસ્કુલ
ખાતે પ્રારંભ થયેલા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો
ઉમટી પડયા હતા. શુભારંભ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, મામલતદાર સહિતના ઉપસ્થિત
રહ્યા હતા.