છેલ્લા 8 માસથી શાળાનું બિલ્ડિંગ
જર્જરિત હોવાથી નાછૂટકે બાળકોને નજીક આવેલા વાવડિયા પરિવારના માતાના મઢમાં બેસીને ભણવું
પડે છે !
જનકસિંહ ઝાલા
રાજકોટ, તા.20 : રાજ્યમાં શિક્ષણ
પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકો
શાળાઓમાં આવે તે માટે લાખોના ખર્ચે અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે, આ પ્રકારના
‘પ્રવેશોત્સવ’ અને ‘ગુણોત્સવ’ સહિતના કાર્યક્રમો થકી નેતાઓ અને અધિકારીઓ વાહવાહીઓ મેળવે
છે પરંતુ જે શાળાઓમાં બાળકો ભણતાં હોય છે તેની સ્થિતિ અત્યંત બદતર હોય છે. જસદણ તાલુકાના
કુંદણી ગામની આવી જ એક જર્જરિત પ્રાથમિક શાળા તેનું તાદૃશ્ય દૃષ્ટાંત છે.
કુંદણી ગામની આ શાળા વિકસિત ગુજરાતની
વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. શાળાના જીર્ણેદ્ધાર સામે સંબંધિત વિભાગે રુચિ ન લેતા અહીં
ધોરણ 1થી 8માં ભણતા આશરે 122 જેટલા વિદ્યાર્થીઓ નાછૂટકે નજીકમાં આવેલા માતાજીના મઢમાં
ભણવા મજબૂર બન્યા છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર પ્રાથમિક શાળામાં કુલ 6 ઓરડા છે પરંતુ
આ તમામ ઓરડાઓ જર્જરિત થઈ ગયાં છે. હાલ આ શાળામાં ક્યાંય પણ બેસી શકાય તેવી સ્થિતિ નથી.
દીવાલો ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી છે અને છત પરથી પોપડા ખરી રહ્યા છે ગમે ત્યારે શાળાનું
બિલ્ડિંગ ધરાશાયી થઈ જાય તેવી શક્યતા છે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં
લઈને નાછૂટકે શાળાના શિક્ષકોએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નજીક આવેલા વાવડિયા પરિવારના
માતાજીના મઢમાં બાળકોને સ્થળાંતરિત કર્યા છે. અહીં લોબીમાં બેસીને બાળકો ભણી રહ્યાં
છે. છેલ્લા 8 માસથી આ પ્રકારે ભણવા માટે બાળકો મજબૂર બન્યા છે. ગામના સરપંચ સંજયભાઈના
જણાવ્યાનુસાર આશરે 2500 જેટલી આ ગામની વસ્તી છે. શાળામાં અભ્યાસ કરતા મોટાભાગનાં બાળકો
ગરીબ પરિવારના છે. ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકે તેવી તેઓની આર્થિક સ્થિતિ નથી. શાળાના
રિનોવેશન મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ સકારાત્મક પરિણામ આવ્યું
નથી.