સરકારે એક મહિનાનો સમય આપ્યો
: રાજકોટ બિલ્ડર્સ એસોસિયેશન કાલે તમામ સાઈટ બંધ રાખીને મૌન રેલી યોજશે : તબક્કાવાર
વધારો કરવા રજૂઆત કરાશે
રાજકોટ, અમદાવાદ, તા.7 : ગુજરાતમાં
રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરમાં સૂચિત વધારો કરવામાં આવ્યો છે. જેની સામે વાંધા-સૂચનો
માટે અગાઉ 20 ડિસેમ્બર અને હવે 20 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે, આ
સમયગાળો પણ માન્ય ન હોવાનું કહીને 31 માર્ચ સુધીની મુદત આપવાની માગ રાજકોટ બિલ્ડર એસોસિયેશને
કરી છે. આ સંદર્ભે તા.9ને સોમવારે મૌન રેલી યોજીને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવશે.
આ અંગે ઋષીકેશ પટેલે જણાવ્યું
હતું કે, મુખ્યમંત્રી વાંધા સુચનોની મર્યાદામાં એક મહિનાનો વધારો કરવામાં આવશે. વાંધા
અરજી મળ્યા બાદ સંકળાયેલા તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ નવી
જંત્રી અંગે વિચારણા કરાશે. હવે જંત્રીદરમાં સૂચિત વધારા સામે 20 જાન્યુઆરી-2025 સુધી
વાંધા-સૂચનો રજૂ કરી શકાશે. એટલુ જ નહી આ વાંધા સૂચનો ઓનલાઇન સાથે ઓફલાઇન પણ કરી શકાશે.
રાજકોટ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ
પરેશ ગજેરાએ કહ્યું હતુ કે, સરકારે 2011માં નવી જંત્રી બહાર પાડી, બાદમાં 12 વર્ષ સુધી
કોઈ વધારો કર્યો નહી. 2023માં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દીધી હતી.
તે સમયે પણ વિરોધ કરાયો હતો અને સરકારે સાયન્ટિફિક પદ્ધતિથી સર્વે અને સંકલન કરીને
જંત્રીદરમાં સુધારો કરવાનું કહ્યું હતુ. સરકારે દોઢ વર્ષ બાદ બેથી ત્રણ ગણો વધારો બહાર
પાડયો છે. જેના વાંધા-સૂચનનો સમય 90 દિવસનો આપવા માગ કરાઈ તેની સામે સરકારે માત્ર
30 દિવસ આપ્યા હતા. હવે 31 માર્ચ સુધીનો સમય આપવામાં આવે તે મુખ્ય માગ સાથે તા.9ને
સોમવારે રાજકોટના તમામ બિલ્ડરો દ્વારા સાઈટ ઉપરના કામકાજ બંધ રાખીને બિલ્ડર્સ એસોસિયેશન
દ્વારા રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી મૌન રેલી યોજવામાં આવશે અને કલેક્ટરને આવેદન
પાઠવવામાં આવશે. જેમાં સિવિલ એન્જિનિયરિંગ એસો., આર.પી.સી.એ., રીયલ એસ્ટેટ એજન્ટ એસો.,
લેબર કોન્ટ્રાક્ટર એસો., બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર એસો. સહિતના સંગઠનો જોડાશે.
જંત્રી દરના સૂચિત જંગી ભાવ વધારાનું
અમલીકરણ હાલ મુલત્વી રાખી તેમાં રહેલી વિસંગતતાઓને દૂર કરીને વાંધા સૂચનો સાંભળ્યા
બાદ જ અમલી કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત
કરવામાં આવી છે.