રૂ.3.પ7 કરોડના મુદ્દામાલ સાથે
1ર શખસ ઝડપાયા : આઠ ફરાર
સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી એસએમસીના
એસપી સહિતના સ્ટાફનો દરોડો
માળિયામિયાણા, તા.7 : ટંકારા
ખાતેની હોટલના જુગારધામની તપાસમાં આવેલા એસએમસીના એસપી સહિતના સ્ટાફે ગુંગણ ગામે કોલસાના
કાળા કારોબાર પર દરોડો પાડયો હતો અને રૂ.3.પ7 કરોડના મુદ્દામાલ સાથે 1ર શખસને ઝડપી
લીધા હતા અને આઠ શખસ ફરાર થઈ ગયા હતા. આ દરોડાનાં પગલે સ્થાનિક પોલીસ બેડામાં ખળભળાટ
મચી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ગુંગણ
ગામે આવેલા કોલસાનાં ગોડાઉનમાં એસએમસીના એસ.પી. નિર્લિપ્ત રાયે સ્ટાફ સાથે દરોડો પાડતા
નાસભાગ મચી ગઈ હતી. પોલીસે દરોડા દરમિયાન રૂ.ર.41 લાખની રોકડ, 17 મોબાઇલ, બે ટ્રેલર,
એક હિટાચી, બે લોડર અને ચાર કાર તેમજ 1પ84 ટન પેટકોક કોલસો અને પ00 ટન વેસ્ટ કોલસો
સહિત રૂ.3.પ7 કરોડનો મુદ્દામાલ કબજે કર્યે હતો. પોલીસે દરોડા દરમિયાન મોરબીના સાન્નિધ્ય
પાર્કમાં રહેતા મેનેજર ભાવેશ પ્રાણજીવન શેરસિયા, ટ્રકચાલક જયદેવ કરશન ડાંગર, મયુરસિંહ
સુખદેવસિંહ જાડેજા, સુપરવાઇઝર સાંરગ સુરેશ ગાંભવી, ભીખુ વનરાવન ઠક્કર, જયદીપગીરી ભરતગીરી
ગૌસ્વામી, રાહુલ બનારાસીરાય યાદવ, સંજુ કિશન નિનામા, વિપુલ પાનસુ પરમાર, દીપક પ્રભાત
આહિર અને કિશોર સહિત 1ર શખસને ઝડપી લીધા હતા.
જ્યારે મોરબીનો ભગીરથ ચંદુલાલ
હુંબલ, ચિરાગ દુંદાણી, કુલદીપસિંહ સુરુભા ઝાલા, ગાંધીધામનો દિલીપ, મોરબીનો નિકુંજ પટેલ,
ગાંધીધામનો ગુપ્તાજી અને ગાંધીધામનો રોકી સહિતના આઠ શખસ ફરાર થઈ ગયા હતા. આ અંગે તાલુકા
પોલીસે ગુનો નોંધ્યો હતો. આગામી દિવસોમાં સ્થાનિક પોલીસને રેલો આવે તેવા નિર્દેશો સાંપડી
રહ્યા છે.