અમદાવાદ, તા.7: અમદાવાદ સાયબર
ક્રાઇમે વડોદરાથી ગેરકાયદે દુબઈ સીમકાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપીને વડોદરાની બે અને
ભરૂચમાં રહેતી એક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. પોલીસે શાહીબાગ ફોરેન પોસ્ટ
ઓફિસથી જપ્ત કરેલા પાર્સલમાંથી 55 સીમકાર્ડ જપ્ત કર્યા હતા. આ સીમકાર્ડ દુબઈમાં ઓનલાઇન
ગેમિંગ કોલ કરવા માટે કરવામાં આવતો હોવાની વિગતો જાણવા મળી છે.
આ અંગેની વધુ તપાસમાં અનેક મોટા
ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદ શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં
વડોદરાથી એક પાર્સલ આવ્યું હતું. જેમાં તપાસ કરતા શંકાસ્પદ સીમકાર્ડ મળી આવ્યા હતા.
જે અંગે સાયબર ક્રાઇમના અધિકારીઓને જાણ કરતા પોલીસે પાર્સલમાં તપાસ કરતા કાર્બન પેપરમાં
છૂપાવેલા 55 જેટલા સીમકાર્ડ મળી આવ્યા હતા.
આ અંગે પોલીસને જાણવા મળ્યું હતું કે, આ પાર્સલ સૂર્યા નામની વ્યક્તિને સિંગલ
બિઝનેસ ટાવર દુબઈ ખાતે વડસર ગામ વડોદરાથી મોકલાયું હતું. આ પાર્સલ અંગે માહિતી એકઠી
કરવા માટે તપાસ આરંભીને શંકાને આધારે રાહુલ શાહ (રહે.અનુપમનગર, રેલવે કોલોની પાસે,
દંતેશ્વર વડોદર), કાંતિભાઈ બલદાણિયા (રહે.ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, અંકલેશ્વર, ભરૂચ) અને
અજય ભાલિયા (રહે.લવકુશનગરી સોસાયટી, વડસર, વડોદરા)ની ધરપકડ કરી હતી.