ક્રૂ મેમ્બરોએ સ્ફૂર્તિ દાખવી
બચાવ્યો : આપઘાતના પ્રયાસની ચર્ચા વચ્ચે યુવકનું
ચક્કર આવતા પડી ગયાનું કથન
ભાવનગર, તા.8 : ઘોઘા અને હજીરા
વચ્ચે આવેલા દરિયામાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. ઘોઘા અને હજીરા વચ્ચે ચાલતી રો-રો
ફેરીના જહાજમાંથી એક યુવક દરિયામાં કૂદી ગયો હતો. આ અંગે જાણ થતાં ક્રૂ મેમ્બર દોડી
આવ્યા હતા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હજીરા પહોંચેલા જહાજમાંથી
યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
ઘોઘાથી હજીરા આવવા માટે સવારે
8 વાગ્યે જહાજ ઉપડયું હતું. હજીરા પહોંચતા પહેલા દરિયામાં 11 નોટિકલ માઈલ દૂર એક
25 વર્ષીય યુવક રો-રો ફેરીના જહાજમાંથી દરિયામાં કૂદી ગયો હતો. યુવક દરિયામાં ડૂબી
રહ્યો હતો ત્યારે રે-રો ફેરી પર હાજર તમામ લોકોમાં પણ યુવક બચશે કે નહીં તેની ચિંતા
જોવા મળી રહી હતી. દરમિયાન રો-રો ફેરીના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફ દ્વારા યુવકને સમજાવીને
લાઈફ સાવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પકડીને તેને ખેંચી પરત રો-રો ફેરીના જહાજ પર લાવવામાં આવ્યો
હતો. ત્યાર બાદ તેને સમજાવી એક અલગ રૂમમાં લઈ ગયા હતા. રો-રો ફેરીનું જહાજ હજીરા પહોંચતા
તેને પહેલા મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ યુવક રો-રો ફેરીના જહાજમાંથી
કૂદી ગયો કે પડી ગયો તેને લઈને રહસ્ય સર્જાયું છે. હજીરા ખાતે રો-રો ફેરી પહોંચ્યા
બાદ આ યુવક કૂદી ગયો હોવાની જાણવા જોગ નોંધવામાં આવી હતી. જ્યારે હવે આ યુવક ચક્કર
આવ્યા બાદ જહાજમાંથી નીચે પડી ગયો હોવાની વાતો ચાલી રહી છે. જોકે આ મામલે હજીરા પોલીસ
દ્વારા યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની પૂછપરછ બાદ આપઘાતનો પ્રયાસ શા માટે
કર્યો તે સામે આવશે.