રાજકોટમાં ત્રણ દિવસથી પારો સિંગલ
ડિજિટમાં : ઠંડા પવનો ફૂંકાતા લોકો ધ્રૂજ્યા
: નલિયા 5.6, રાજકોટ 8.3, અમરેલી 8.4 ડિગ્રી તાપમાન
રાજકોટ, તા. 9: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર
અને ગુજરાતના મોટાભાગના શહેરમાં ઠંડી ભુક્કા બોલાવી રહી છે. બર્ફીલા પવન ફૂંકાતા કાતિલ
ઠંડીથી લોકો ઠૂઠવાય ગયા હતા. ખાસ કરીને રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો
સતત ઘટી રહ્યો હતો જેના કારણે લોકોએ આકરી ઠંડીનો અહેસાસ કર્યો હતો. આજે પણ રાજકોટ સહિત
રાજ્યના સાત શહેરમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. ગિરનાર પર્વત 4.9, નલિયા
પ.6, રાજકોટ 8.3 લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજયમાં ઠંડી ભૂક્કા બોલાવી રહી છે. મોટાભાગના
શહેરોમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. પહાડી પ્રદેશોમાં થયેલી હીમવર્ષાના પગલે ઠંડીનું
જોર વધ્યું છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. રાજકોટ શહેરમાં પણ ઠંડીએ
ડુચા કાઢયા છે. ગઇકાલે રાજ્યનું સૌથી ઠંડુ શહેર 7.3 ડિગ્રી તાપમાન રહ્યાં બાદ આજે પણ
તાપમાન 8.3 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા ત્રણ દિવસથી પારો સીંગલ ડિજિટમાં જ જોવા મળે
છે. ઠંડીથી બચવા શહેરીજનો નતનવા નુસ્ખાં અજમાવતા જોવા મળે છે. ઘર, ઓફિસો, દુકાનોમાં
એ.સી., પંખા બંધ થઇ ગયા છે. દિવસે લોકો તડકામાં જ રહેવાનું પસંદ કરે છે. તો રાત્રીના
સમયે લોકો તાપણા કરતા પણ જોવા મળે છે. રાજમાર્ગો પણ સુમસામ ભાંસી જાય છે. ઠંડીથી બચવા
કાવા, ચા, કોફી સહિતના ગરમ પીણા ઉપર તડકા લાગી રહયાં છે. શહેરીજનો સ્વેટર, જાકિટ, ટોપી
સહિતના ગરમ વત્રોમાં જ જોવા મળે છે.