અમદાવાદ, તા.10: મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના
દિવસો જ બાકી રહ્યા છે અને પતંગ રસિયાઓએ પતંગ અને દોરીની ખરીદી પણ શરૂ કરી દીધી છે.
ત્યારે આ પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યાં છે. આ વર્ષે ઉત્તરાયણને દિવસે
પવનવાળો માહોલ રહેવાના કારણે પતંગ બાજોને જલસા પડી જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી
છે.
રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે
આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી
છે. તેમજ ઉત્તરાયણના દિવસે ઠંડી સાથે પવન રહેશે. રાજ્યમાં 24 કલાક બાદ ફરી ઠંડીનો માહોલ
જામશે. કેમ કે 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. જેને લઇને
ઠંડી વધશે.
આ સાથે હવામાન વિભાગે 24 કલાકમાં
અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો
છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ
રહેવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.