ચિરાગ રાજપૂત 16મી સુધી રિમાન્ડ
પર : કયા ડોક્ટરો- એજન્ટોના સંપર્કમાં હતો તેની તપાસ PMJAY યોજનામાં અધિકારી- કર્મચારીઓની
સંડોવણીની શંકાએ તપાસ
અમદાવાદ, તા.12 : બોગસ આયુષ્માન
કાર્ડ કાઢવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની
ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એવી વિગત પણ ખૂલી છે કે, ઝડપાયેલ
આરોપી ચિરાગ રાજપૂત હોસ્પિટલનો ડાયરેક્ટર છે અને તે અમદાવાદ શહેર તથા તેની આજુબાજુનાં
ક્લિનિકોના ડોક્ટરો તથા એજન્ટોને સંપર્ક કરી 50થી વધુ ઉંમરના દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં
કમિશનથી મોકલવા સૂચનાઓ આપતો હતો. જેથી હવે આરોપી કયાં કયાં ક્લિનિકના ડોક્ટરો તથા એજન્ટોના
સંપર્કમાં હતો તે દિશામાં તપાસ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
દરમિયાન આરોપી ચિરાગ રાજપૂતને
કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,
આરોગ્ય વિભાગના કર્મચારીઓની સંડોવણીની આશંકા અંગે તપાસ કરવા સહિતના મુદ્દે તપાસ કરવા
રિમાન્ડની જરૂર છે. આવી રજૂઆત બાદ મેટ્રો કોર્ટે 16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
કર્યા છે.
સરકારી વકીલ ડી સી ગોસ્વામીએ
જણાવ્યું હતું કે, આરોપીએ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કેટલા દર્દીઓના આયુષ્માન
કાર્ડ નિમેષ ડોડિયા પાસે બનાવ્યા હતા. તે દર્દીઓને ક્યાં ક્યાં પ્રકારની સારવાર આપવામાં
આવેલ છે ? તેમજ સારવારના કેટલા ક્લેઇમ પાસ
કરાવેલ તેની માહિતી મેળવવી અત્યંત આવશ્યક હોવાથી આરોપીની પૂછપરછ જરૂરી છે.
આરોપી નિમેષ દિલીપભાઈ ડોડિયાને
2022થી 2024 સુધી કેટલા રૂપિયાની ચુકવણી કરેલ છે ? હાલના આરોપીએ નિમેષ દિલીપભાઈ ડોડિયાને
રોકડા અથવા બેન્ક તેમજ આંગડિયા કયા પ્રકારે ચુકવણી કરી છે ? પકડવાના બાકી આરોપી કાર્તિક
જશુભાઈ પટેલની ધરપકડ કરવા આરોપીની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવી જરૂરી છે.
આરોપીઓ દ્વારા પીએમજેએવાય યોજનાનો
ગેરકાયદેસર લાભ આર્થિક ઉપાર્જન માટે જે પ્રકારે ગુનાઇત કાવતરાં હેઠળ આ કૃત્યને અંજામ
આપેલ છે. તેમાં આરોગ્ય વિભાગ તથા ઙખઉંઅઢ યોજનાના કયા અધિકારી/કર્મચારી સંડોવાયેલ છે
? તેમજ તેઓને કેવી રીતે અને કેટલો આર્થિક લાભ આપવામાં આવતો હતો ? ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી
હોસ્પિટલના અન્ય કોઈ આ ગેરકાયદે આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં સંડોવાયેલ છે
કે કેમ ? આરોપીઓએ વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ આયુષ્માન કાર્ડ બનાવવાનું
રેકેટ ચાલતું હતું જે ગ્રુપમાં પોતે મેમ્બર હતા કે કેમ ? આ ગ્રુપ કોણ ચલાવે છે અને
આ ખોટા આયુષ્માન બનાવવામાં આ સિવાય અન્ય કઈ કઈ વ્યક્તિઓની સંડોવણી છે ? અટકાયત હેઠળના
આરોપીએ પકડાયેલ આરોપીઓ સાથે ભેગા મળીને આચરવામાં આવેલ આ ગુનો સિસ્ટેમેટિક ફ્રોડ તથા
ઇકોનોમિક ફ્રોડની પરિભાષા મુજબનો ગુનો હોવાનું સ્વયં સ્પષ્ટ જણાઈ આવે છે.
જોકે આરોપી ચિરાગ રાજપૂતના વકીલ
તરફથી રિમાન્ડ નામંજૂર કરવા એવી પણ રજૂઆત કરાઈ હતી કે આ કેસમાં મુખ્ય આરોપી ખ્યાતિ
હોસ્પિટલના કાર્તિક પટેલ છે, જે હાલમાં વોન્ટેડ છે અને ચિરાગ રાજપૂતનાં નિવેદનમાં તમામ
વિગતો પોલીસ તપાસમાં સામે આવી ચૂકી છે, તો વધુ રિમાન્ડ ના આપવા જોઈએ. કોર્ટે બન્ને
પક્ષોની દલીલ ધ્યાને લઈ ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.