108 એમ્બ્યુલન્સ નહીં પહોંચતા
રિક્ષાચાલકે હોસ્પિટલમાં ખસેડયો
રાજકોટ, તા.13 : ઉત્તરાયણ પર્વમાં
જીવલેણ બનતી ચાઇનિઝ અને કાચથી બનાવેલી દોરીનાં વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં
આવ્યો હોવા છતાં ચાઇનિઝ દોરીઓનું વેચાણ થતું હોય પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
દરમિયાન મવડી વિસ્તારમાં રહેતો યુવાન દુકાને જવા નીકળ્યો હતો ત્યારે મવડી ઓવર બ્રીજ
પુલ પાસે ગળામાં દોરી વીંટળાઈ જતાં ગળું કપાતા ગંભીર હાલતમાં તાકીદે રિક્ષા મારફત હોસ્પિટલમાં
ખસેડાયો હતો અને યુવાનની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
આ અંગેની વિગત એવી છે, મવડી વિસ્તારના
40 ફૂટ રોડ પરના ઓમનગરમાં રહેતો મિહિર પરેશભાઈ સોડાગર નામનો યુવાન બાઇક લઈને મવડીના
બાપા સીતારામ ચોકમાં આવેલી દુકાને જવા નીકળ્યો હતો. દરમિયાન મવડીનાં ઓવર બ્રીજ પાસે
પહોંચ્યો હતો ત્યારે ગળામાં દોરી વીંટળાઈ જતા ગળું કપાઈ જવાથી ઢળી પડયો હતો અને આ બનાવનાં
પગલે રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને 108ને જાણ કરવા છતાં નહીં પહોંચતા એક રિક્ષાચાલકે
તાકીદે ગંભીર રીતે ઘવાયેલા મિહિરને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો.
દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા મિહિરનો
શોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો અને મિહિરના નાનાભાઈએ જોતા બનાવ અંગેની જાણ
થઈ હતી અને તાકીદે પિતા પરેશભાઈ સહિતનો પરિવાર હોસ્પિટલે દોડી ગયો હતો.
આ બનાવ અંગેની જાણ થતાં મા.નગર
પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં ઈજાગ્રસ્ત મિહિર તેના પિતા પરેશભાઈ
સાથે બારીની ગ્રીલ-દરવાજાની સેક્સન ફિટિંગનું કામકાજ કરતો હતો. આ બનાવનાં પગલે પરિવારજનોમાં
ચિંતા વ્યાપી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.