રૂ.132 કરોડ ફાળવતા મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ
અમદાવાદ, તા.13 : મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર
રોડને પણ 10 મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા માટે 132 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
ફોરલેન કરવા સાથોસાથ સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિચર તથા અન્ય કામગીરી
માટે પણ આ રકમ ઉપયોગમાં લેવાશે.
મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહનવ્યવહાર, તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો,
આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને
વ્યાપક લાભ મળશે. મહત્વનું છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ
વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ સહિત ઉત્તર ગુજરાતના વિસનગર, વિજાપુર
માર્ગને ફોર લેન કરવા સાથે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેને
વધુ સુવિધા આપવા એક જ દિવસમાં સમગ્રતયા 294 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર દક્ષિણ
ગુજરાતના વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તાર કપરાડાના 16 જેટલા ગામોની 23 હજારથી વધુ વસ્તીને
અવરજવર માટે સગવડ મળે તે માટે દમણગંગા નદી પર મેજર બ્રિજના કામ માટે 26 કરોડ રૂપિયા
મંજૂર કર્યા છે. આ ઉપરાંત રાજ્યના મહેસાણા
જિલ્લાના વિસનગરથી વિજાપુરના 24 કિલોમીટરના માર્ગને હાલની 7 મીટર પહોળાઈથી વધારીને
ફોરલેન કરવા માટે 136.16 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.