બે મહિનામાં કુલ 5.12 લાખ ટનની
ખરીદી રૂ. 1356ના ભાવથી સંપન્ન
રાજકોટ, તા.13 (ફૂલછાબ ન્યૂઝ)
: ગુજકોમાસોલ દ્વારા થતી મગફળીની ખરીદી 5 લાખ ટનનો આંકડો વટાવી ગઈ છે. પાછલા બે મહિનાથી
મગફળીની ખરીદી નાફેડ મારફત થાય છે અને ગુજકોમાસોલ તેના વતી ખરીદી કરી રહી છે. 13 જાન્યુઆરી
સુધીમાં 5.12 લાખ ટનની ખરીદી રૂ. 1356ના ટેકાના ભાવથી થઈ ચૂકી છે. જાહેર રજાના દિવસો
સિવાય ટેકાના ભાવથી મગફળી પ્રાપ્તિ જોરશોરથી થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો
ભાવ ઘટીને રૂ. 1200ની અંદર આવી જવાને લીધે ખેડૂતો સરકારને વેચવા માટે જાય છે. ખેડૂતોને
યાર્ડમાં સરેરાશ રૂ. 600-1150 સુધીનો ભાવ મળે છે. જે ટેકા કરતા રૂ.200 જેટલો ઓછો છે.
ગુજકોમાસોલ દ્વારા કુલ 95 જેટલાં
કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવે છે. જૂનાગઢમાં 31 કેન્દ્ર ચાલે છે. રાજકોટ
જિલ્લામાં કુલ 21 જેટલા સેન્ટરમાં ખરીદીનું કામકાજ ચાલી રહ્યું છે. ગુજરાતમાં 43થી
45 લાખ ટનનું ઉત્પાદન થવાનો અંદાજ છે. સરકારે ગુજકોમાસોલને સાડા આઠ લાખ ટનની ખરીદી
માટે છૂટ આપેલી છે. આમ હજુ એકાદ મહિના સુધી ખરીદીમાં કોઇ વિઘ્ન આવે તેમ નથી. કેટલાક
વિસ્તારોમાં ખેડૂતોને પેમેન્ટ મોડા મળતા હોવાની રાવ છે પણ ખેડૂતો પાસે સરકારને વેચવા
સિવાય કોઈ વિકલ્પ નથી.
ગુજરાતભરનાં માર્કેટ યાર્ડમાં
મગફળીની આવક 1 લાખ ગુણીની અંદર જતી રહી છે. ગુજરાત તરફના ખેડૂતો મોટેભાગે માલ વેચી
ચૂક્યા છે પણ સૌરાષ્ટ્રમાં હજુ ભાવ વધવાની આશાએ પકડ દેખાય છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ
અને મધ્યપ્રદેશની પણ આવક લોકલમાં થાય છે. એ ઉપરાંત હવે આંધ્ર-કર્ણાટકની નવી આવકનો આરંભ
પણ ત્યાંની બજારમાં થયો છે. દસ પંદર દિવસમાં આવકમાં વધારો જોવા મળશે.
રાજકોટ જિલ્લામાં કુલ 21 કેન્દ્ર
પરથી આશરે 1,41,746 ટનની ખરીદી થઈ ચૂકી છે. પોરબંદરમાં કુલ ચાર કેન્દ્રો ચાલે છે જ્યાં
22,206 ટન ખરીદાઈ ગઈ છે. મોરબીનાં ત્રણ કેન્દ્ર પરથી 21,055 ટનની ખરીદી થઈ છે. મહિસાગરમાં
512 ટનની ખરીદી થઈ હતી. જૂનાગઢ જિલ્લામાં કુલ 31 કેન્દ્રમાંથી 98,777 ટનની ખરીદી કરવામાં
આવી છે.
જામનગર જિલ્લામાં કુલ આઠ કેન્દ્ર
પરથી 98,921 ટનની પ્રાપ્તિ થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં પાંચ કેન્દ્ર પરથી 32,182 ટનની
ખરીદી કરાઈ છે. દેવભૂમિ દ્વારકામાં 45,536 ટનની પ્રાપ્તિ થઈ છે. છોટા ઉદેપુરમાં પણ
કેન્દ્ર ચાલે છે પણ ત્યાં મગફળીની કોઈ આવક નથી. અમરેલી જિલ્લામાં કુલ 12 કેન્દ્ર પરથી
51,897 ટનની પ્રાપ્તિ કરી લેવામાં આવી છે.