• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

જૂનાગઢમાં RFOની નોકરીની લાલચ આપી નાણાં ખંખેરતી ચીટર ટોળકી પકડાઈ

દોઢ - દોઢ લાખ રૂા. લઈ ફોરેસ્ટ વિભાગનાં  નામે બોગસ ઇ-મેઇલ મોકલ્યા,ઇન્ટરવ્યૂનું નાટક રચ્યું ત્યાં પોલીસ પહોંચી ગઈ

જૂનાગઢ, તા.12 : શિક્ષિત બેકારોને નોકરી અપાવી દેવાની લાલચ આપી નાણાં પડાવતી આંતર રાજ્ય ટોળકી સામે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ટોળકીના ત્રણ શખસને ઝડપી લઈ ચાર દિવસના રિમાન્ડ ઉપર મેળવી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત પ્રમાણે કેશોદ તાલુકાનાં પાડોદરના કાળુભાઈ કરશનભાઈ સોલંકીનો નાથાભાઈ લાખાભાઈ સોલંકી મારફત મૂળ કાલસારીના અને હાલ ગાંધીનગર રહેતા બાબુ ધનજી રાંક અને વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવીએ સંપર્ક કરી આરએફઓ તરીકે તમારા સંતાનોને નોકરીએ લગાડવા હોય તો અમારી પાસે ઉચ્ચ અધિકારીઓની સીધી લાઇન છે.

તેમ કહેતા કાળુભાઈ સોલંકી વિશ્વાસમાં આવી પોતાના દીકરા જીતુ તથા પરબતભાઈ પીઠિયાના દીકરા નયન અને ખીમજી સોલંકીના પુત્ર ગૌતમને નોકરીએ ચડાવવા સંમત થયા હતા. તેમાં દરેકે રૂા.25-25 લાખ આપવા તૈયારી દર્શાવી હતી. આ સામે આ ગેંગે જી.પી.એસ.ના ખોટા ઇમેઇલ આઇડીમાંથી રીક્રૂટમેન્ટ ઓથોરિટી ફોરેસ્ટ વિભાગનાં નામે ઇન્ટરવ્યૂ માટેના બોગસ ઇમેઇલ મોકલ્યા હતા.

આ ઇમેઇલને ખરા તરીકે ગણાવી ત્રણેય ઉમેદવારના વાલીઓ પાસેથી રૂા. દોઢ-દોઢ લાખ એડવાન્સ ખર્ચ પેટે વસૂલ્યા હતા અને બાકીના નાણા પડાવવા માટે પરીક્ષાનો દેખાડો કરેલ પરંતુ આ અંગેની શંકા જતાં કાળાભાઈ સોલંકીએ સી ડિવિઝન પોલીસને જાણ કરી સરદારબાગ વિસ્તારમાં ઇન્ટરવ્યૂનું નાટક રચેલ ત્યાં પોલીસ પહોંચી બાબુલાલ ધનજી રાંક, વિનોદ ઉર્ફે વિનયભાઈ બાબુલાલ ગઢવી અને મધ્યપ્રદેશના દીપક શ્યામલાલ સેનની અટકાયત કરી હતી.

આ શખસોની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે ઝડપાયેલા ત્રણ ઉપરાંત મુંબઈનો આશિષ ઉર્ફે સાઉ સામે ગુનો નોંધી ઝડપાયેલા ત્રણેયને કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે ત્રણેયને ચાર દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે. પોલીસે આ ટોળકીના મૂળ સુધી પહોંચવા પીઆઇ સાવજે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક