વેરાવળ, તા.12: વેરાવળમાં ટાવર
ચોક પાસે આવેલી પોલીસ ચોકીમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ નેગોશીએબલ
કેસ પાછો ખેંચી આપવા તથા ઝડપથી ચાર્જશીટ કરી ધક્કા નહી ખવડાવવા રૂા.20 હજારની લાંચ
માંગતા એસીબીએ છટકું ગોઠવી એએસઆઈને રંગેહાથ ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ જાગૃત નાગરીકે
માસિક 12 ટકા લેખે વ્યાજે રૂા.87,000 ઉછીના લીધેલા તેની સીક્યુરીટી પેટે માંગરોળ એસ.બી.આઇ.
બેંકના બે કોરા ચેક આપ્યા હતા. જે નાણાં વ્યાજ સહિત ચુકવી દીધા છતાં ફરિયાદીએ આપેલા
ચેક પરત આપેલા નહી અને વ્યાજે આપનાર વ્યક્તિએ બે ચેકમાં રકમ ભરી બેંકમાં નાખેલા પરંતુ
ફરીયાદીના ખાતામાં બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થતા કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો.
જે અંગે વેરાવળ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુના તથા અરજી તપાસના કામે ફરિયાદી
વિરૂધ્ધની નેગોશીએબલ કેસ પાછો ખેચી આપવા તથા ઝડપથી ચાર્જશીટ કરી તને ધક્કા નહી ખવડાવવા
એએસઆઇ ભરત ઠાકરશીભાઈ મક્વાણાએ રૂ.20 હજારની લાંચ માંગી હતી.જેથી ફરિયાદીએ જૂનાગઢ એસીબીમાં
જાણ કરતા એસીબી પીઆઈ જે.બી.કરમુર તથા ઈન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ.પટેલ સહીતની ટીમે
છટકું ગોઠવી વેરાવળમાં શક્તિ ડીપાર્ટમેન્ટ
સ્ટોરની પાછળ, જલારામ ઓટો કન્સલ્ટન્સી સામેથી એએસઆઈને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ
ઝડપી પાડયા હતા. આ અંગે તેના વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.