• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટારિંગ સેલને સોંપાઈ

સમગ્ર કેસની સાથે અત્યાર સુધીની તપાસની પણ તપાસ નિર્લિપ્ત રાય કરશે

પાટીદારની દીકરીને ન્યાય અપાવવા સુરતમાં ધરણા, ધાનાણી-દુધાતની પોલીસે કરી અટકાયત

ત્રણ પોલીસકર્મીઓને ફરજ પર બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

રાજકોટ, તા.13: અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. આજે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના નેતાઓએ સુરતના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી છે ત્યારે લેટરકાંડ કેસની તપાસ સ્ટેટ મોનિટારિંગ સેલને સોંપવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ્ત રાય કરશે. બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે. અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

કોંગ્રેસે આજે સુરતના માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનારી યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાંની જાહેરાત કરી હતી. સુરત પોલીસે ધરણાં માટે મંજૂરી આપી ન હતી, એને લઇને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ગમે ત્યારે ધરણાં પર આવીને બેસી જઈશું, જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી ત્યાર બાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી. 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફૂલહાર કરીને ધરણાં કરવાના શરૂ કરે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ગત મોડીરાત્રે જિલ્લા પોલીસવડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિના મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક