રાજકુમાર
જાટના કેસને લઇને વકિલના સવાલો
રાજકોટ,
તા.26: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના રહેવાસી અને મૂળ રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના
મૃત્યુ મામલે હજુ પણ અનેક સવાલો ઉભા થઇ રહયા છે. પોલીસે અકસ્માતે મૃત્યુ થયાનું જાહેર
કર્યું હતું પરંતુ રાજકુમારના શરીર પર 42 ઇજાના નિશાન હોવાનો દાવો થયો હતો અને આ પછી
કથિત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા આ રિપોર્ટની અંદર પણ અનેક શંકાઓ ઉભી
થઇ છે અને ફરી રાજકુમાર જાટનાં પરિવારજનો અને તેમના વકીલ દ્વારા સવાલો કરવામાં આવી
રહ્યા છે અને ન્યાયની માગ કરી રહ્યા છે. રાજકુમાર જાટના કેસને લઇને વકિલ જયંત મુંડેએ
કેટલાક સવાલો ઉભા કર્યા છે જેમાં જેમાં રાજકુમાર ગોંડલથી નીકળી અને તરઘડિયા પહોંચે
ત્યાં સુધીમાં 3 વખત કપડાં કઇ રીતે બદલાય જાય છે એક જગ્યાએ કપડાં વગરના સીસીટીવી સામે
આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બોડીનું ઇન્કવેસ્ટ પંચનામું તેમજ સ્થળ પરના વીડિયો
ફોટા કેમ આપવામાં આવતા નથી?
તેમજ
વકિલે સવાલ કર્યા છે કે રાજકુમારના મૃત્યુના મામલાને 23 દિવસ પૂરા થવા છતાં હજુ પણ
આ મામલે ફરિયાદ નોંધવામાં નથી આવી કે ના તો સીબીઆઇને આ કેસની તપાસ સોંપવામાં આવી. એટલું
જ નહીં હજુ સુધી આ કેસને લઇ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે ડીજીપી કોઈ પ્રતિક્રિયા
આપી રહ્યા. 2 માર્ચના રોજ રતનલાલ જાટ અને તેના પુત્ર રાજકુમાર જાટ સાથે મારકૂટ કરવામાં
આવી છે. આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રતનલાલ જાટ ગયા હતા તો પોલીસે તેમની
ફરિયાદ કેમ નોંધી નથી? તથા બસચાલકની 13 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવેલી છે. 42 ઇજાના
નિશાન છે એવું કહેવામાં આવી રહ્યું છે તો આ મામલે ફરિયાદ કેમ કરવામાં નથી આવી? સિવિલ
હોસ્પિટલના ચોપડામાં છેડછાડ કોણે કરી?
વધુમાં
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે રાજકોટ જિલ્લા પોલીસ વડા 7 માર્ચના રોજ એવું કહે છે કે, તમારો
દીકરો ટ્રેસ થઇ ગયો છે એની માનસિક સ્થિતિ સારી નથી. નશેડી છે અમે એને લઇ આવીએ છીએ,
આગળ તમે એનો ખ્યાલ રાખજો અને એના બે દિવસ સુધી કોઈ યુવાનનો પત્તો કેમ ન લાગ્યો?. ફોરેન્સિક
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં ઇજાનાં નિશાન તાજા છે અને શરીરમાં અલગ અલગ ઇજાનાં
નિશાન છે તે 4-4 સેન્ટિમીટરના ઇજાનાં નિશાન છે જે કોઈ દિવસ અકસ્માતમાં શક્ય નથી. આમ
આ કેસમાં વકિલે અનેક સવાલ ઉઠાવ્યા છે.