સ્ટેટ
હાઈવે નં. જઇં 26 પહોળો કરવાથી અભયારણ્યની જેટલી વધારાની જમીન ઉપયોગમાં લેવાશે તે ગીરના
સિંહો તથા અન્ય વન્યપ્રાણીઓ સામે જોખમ
સર્જશે
સ્ટેટ
બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના પૂર્વ સભ્ય અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ભૂષણ પંડયા દ્વારા મુખ્યમંત્રીને
રજૂઆત
રાજકોટ,
તા.10 : જૂનાગઢથી સાસણ જતાં સ્ટેટ હાઇવે નં. 26 ખડિયાથી સાસણ સુધી પહોળો કરવાની કામગીરીને
મંજૂરી આપવામાં આવી છે ત્યારે જો આ રસ્તો પહોળો થશે તો અભયારણ્યની વધારાની જમીન ઉપયોગમાં
લેવામાં આવશે જેના કારણે વનસૃષ્ટિને ભારે નુકસાન થશે તેવી ભીતિ પર્યાવરણપ્રેમીઓ વ્યક્ત
કરી રહ્યાં છે.
વાણીયાવાવથી
સાસણ સુધી આશરે 7 કિલોમીટરમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્યમાંથી પસાર
થાય છે. રસ્તો પહોળો કરવાથી અભયારણ્યની જેટલી
વધારાની જમીન ઉપયોગમાં લેવાશે તેટલી એટલે કે આશરે 2.57 હેક્ટર જમીન મેંદરડા તાલુકાનાં
ઝીંઝુડા અને ગુંદાળા ગામ નજીક તથાં ગુંદાળાથી નતાળિયા રોડ પર તેજા ટીંબી ડુંગર તરીકે
ઓળખાતા વિસ્તારમાંથી રેવન્યુની જમીન અભયારણ્ય માટે આપવામાં આવશે.
વન
વિભાગ હસ્તકની આરક્ષિત વિસ્તારની જમીન માર્ગ અને મકાન વિભાગને આપવામાં આવશે અને રેવન્યુ
વિભાગ હસ્તકની તેજા ટીંબી ડુંગરની જમીન વન વિભાગને આપી, જમીનોની અદલા-બદલી થશે. સર,
સાસણ ગીર જેવાં મહત્ત્વનાં સ્થળે આવતાં પ્રવાસીઓની સુવિધા માટે રસ્તા સુધારવા પડે તે
બાબત સ્વાભાવિક છે, પરંતુ આરક્ષિત વિસ્તારો/ અભયારણ્યની અંદર આ પ્રકારની કોઈ પણ કામગીરી
કરવા માટેનાં પ્રવર્તમાન નિયમો હેઠળ જ મંજૂરી આપી શકાય. જે આ કિસ્સામાં લેવામાં આવી
નથી.
દરમિયાન
આ મુદ્દે સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના પૂર્વ સભ્ય અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ભૂષણ
પંડયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, આરક્ષિત
વિસ્તારોમાં રસ્તાને રીપેરીંગ કે રિ-સરફાસિંગ કરવાનાં હોય તો પણ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઈફની
મંજૂરી જરૂરી છે. આ કિસ્સામાં તો રસ્તો પહોળો કરવાનો છે, છતાં સ્ટેટ ફોર વાઇલ્ડલાઇફની
મંજૂરી લેવામાં આવી નથી. આ નિર્ણય વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ - 1972નું સ્પષ્ટ ઉલ્લંઘન
કરે છે અને તેથી આ ગીરના સિંહો તથા અન્ય વન્યપ્રાણીઓના હિતમાં નિર્ણય લઈને મંજૂરીને
રદ કરવામાં આવે તે જરૂરી છે.