ડેમોક્રેટ સાંસદે કહ્યું, તસવીર હજાર શબ્દ બરાબર, ટ્રમ્પની નીતિઓની આલોચના કરી
નવી દિલ્હી, તા. 11 : અમેરિકા
અને ભારતના વ્યાપારિક સંબંધ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે ખૂબ સારા નથી રહ્યા છે. તેવામાં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસ અમેરિકામાં ખૂબ જ ચર્ચામાં છે. આટલું
જ નહી પ્રવાસને આધાર બનાવીને વિશેષજ્ઞ અને અમેરિકી સાંસદ ટ્રમ્પની વ્યાપાર નીતિને લઈને
કઠોર સવાલ કરી રહ્યા છે. ડેમોક્રેટ સાંસદ સિડની કેમલેગર ડવે પહેલા પુતિન અને મોદીની
કારમાં સેલ્ફીને અમેરિકી સંસદમાં મોટા પોસ્ટરમાં છાપીને બતાવી હતી. પછી ભારત અને રશિયાના
સંબંધો અને અમેરિકા અને ભારતના સંબંધોમાં કડવાશનો ઉલ્લેખ કરીને ટ્રમ્પ અને તેમની વેપાર
નીતિની આલોચના કરી હતી.
ડેમોક્રેટ સાંસદ સિડની કેમલેગરે
સંસદમાં સંબોધન દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધોમાં આવેલી કડવાશ માટે ટ્રમ્પને જવાબદાર
ગણાવ્યા હતા સાથે મોદી અને પુતિનની સેલ્ફીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ તસવીર હજારો
શબ્દો બરાબર છે.
અમેરિકાને રાષ્ટ્રપતિ ટ્રમ્પની
બળજબરીપૂર્વકની નીતિઓનું ભારે મૂલ્ય ચુકવવું પડે છે. તેમણે ચેતવણી આપી હતી કે ટ્રમ્પની
નીતિઓએ અમેરિકાના રણનીતિક ભાગીદારોને પ્રતિદ્વંદ્વીઓ તરફ ધકેલી દીધા છે. ડવે ભાર મુકીને
કહ્યું હતું કે ભારત અને અમેરિકાની ભાગીદારી ફરીથી મજબૂત કરી શકાય તે માટે તત્કાળ કામગીરી
કરવી પડશે.