• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

આફ્રિકાનો 51 રને વિજય: ઝ-20 શ્રેણી 1-1ની બરાબરી પર

214 રનના વિજય લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયા 19.1 ઓવરમાં 162 રને ઓલઆઉટ

ન્યૂ ચંડિગઢ તા.11: પહેલા બોલર્સ અને બાદમાં તિલક વર્મા સિવાયના  બેટર્સના નિસ્તેજ દેખાવને લીધે બીજા ટી-20 મેચમાં દ. આફ્રિકા વિરૂધ્ધ ટીમ ઈન્ડિયાનો પ1 રને પરાજય થયો હતો. 214 રનના કઠિન વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 19.1 ઓવરમાં 162 રને ઓલઆઉટ થઇ હતી. તિલક વર્મા આખરી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. તેણે 34 દડામાં પ છક્કા-2 ચોક્કાથી 62 રનની ઇનિંગ રમી હતી. જયારે જિતેશ શર્મા 17 દડામાં 2 છક્કાથી 27 રનની કેમિયો ઇનિંગ રમી આઉટ થયો હતો. આફ્રિકા તરફથી બાર્ટમેને 4 અને યાનસને 2 વિકેટ લીધી હતી. પ1 રનના વિજય સાથે દ. આફ્રિકાએ પ મેચની ટી-20 શ્રેણી 1-1ની બરાબરી પર લાવી દીધી છે. શ્રેણીનો ત્રીજો મેચ રવિવારે ધર્મશાલા ખાતે રમાશે.

ભારતની શરૂઆત કંગાળ રહી હતી. ગિલ ગોલ્ડન ડક થયો હતો. અભિષેક શર્મા ફટાફટ 17 રન કરી આઉટ થયો હતો. કપ્તાન સૂર્યકુમાર યાદવ (પ)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. અક્ષર 21 રને પાછો ફર્યોં હતો. હાર્દિક પર ટકી શકયો ન હતો અને 20 રને આઉટ થયો હતો.

અગાઉ ભારતની દિશાવિહીન બોલિંગનો ફાયદો ઉઠાવીને દ. આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતના ટી-20 ફોર્મેટના સૌથી સફળ બોલર અર્શદીપે એક ઓવરમાં 7 વાઇડ બોલ ફેંકી નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કુલ 9 વાઇડ ફેંકાયા હતા. ભારતીય બોલર્સ દ્વારા આજે 16 વાઇડ બોલ ફેંકી આફ્રિકાના સ્કોરમાં સતત વધારો કરવામાં મદદ કરી હતી. આફ્રિકા તરફથી કિવંટન ડિ’કોકે આતશી બેટિંગ કરીને 46 દડામાં પ ચોક્કા અને 7 છક્કાથી 90 રન ફટકાર્યાં હતા. તે કમનસીબે રનઆઉટ થયો હતો અને 10 રને સદી ચૂકી ગયો હતો. આજે આફ્રિકાની ઇનિંગમાં 1પ છક્કા અને 10 ચોક્કા હતા.

ડિ’કોક અને આફ્રિકી કેપ્ટન માર્કરમ વચ્ચે બીજી વિકેટમાં 47 દડામાં 83 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. માર્કરમે 2 છક્કાથી 29 રન કર્યાં હતા. બ્રેવિસ 14 અને રીઝ હેડ્રિંકસ 8 રને આઉટ થયો હતો. અંતમાં ડોનોવાન ફરેરા અને ડેવિડ મિલરે પાવર હિટિંગ કરી અનુક્રમે 30 અને 20 રનની ઝડપી ઈનિંગ રમી આફ્રિકાનો સ્કોર 213 રન સુધી પહોંચાડયો હતો. અર્શદીપ પ4 રન અને બુમરાહ 4પ રનનો ખર્ચ કરી વિકેટ વિના નિષ્ફળ રહ્યા હતા. વરૂણ ચક્રવર્તીને 29 રનમાં 2 વિકેટ મળી હતી. અક્ષરે 27 રનમાં 1 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક