• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

બ્રાઝીલે ભારત પાસેથી છીનવ્યું બંગલાદેશનું કપાસ બજાર

બ્રાઝીલે બંગલાદેશને 19 લાખ ગાંસડીની આપૂર્તિ કરી, ભારત બીજા ક્રમાંકે પહોંચ્યું, સુતરના દોરામાં દબદબો યથાવત્

ઢાકા, તા. 10 : બંગલાદેશના કપાસ બજારમાં એક મોટી ઉલટફેર થઈ છે. દશકોથી આ બજાર ઉપર કબજો જમાવ્યા બાદ હવે ભારતને બ્રાઝીલે પાછળ છોડી દીધું છે. અમેરિકી કૃષિ વિભાગના નવા રિપોર્ટ અનુસાર 2024-25ના નાણાકીય વર્ષમાં બ્રાઝીલ 25 ટકા હિસ્સેદારી સાથે બંગલાદેશનું સૌથી મોટું કપાસનું આયાતકાર બની ગયું છે. જ્યારે  ભારત માત્ર 15 ટકા સાથે બીજા ક્રમાંકે છે.

જો કે એક ક્ષેત્રમાં ભારતની મજબુતી હજી પણ કાયમ છે. આ ક્ષેત્ર સુતરના દોરાનું છે. 2024-25ના વર્ષમાં બંગલાદેશે કુલ સુતરના દોરાની આયાતનો 82 ટકા હિસ્સો ભારત પાસેથી જ લીધો હતો. જુલાઈ 2025ના એક રિપોર્ટ અનુસાર રેડિમેટ ગારમેંટ સેક્ટર, બંગલાદેશના કુલ નિકાસનું 80 ટકા અને જીડીપીનું અંદાજીત 10 ટકા યોગદાન આપે છે. આ સેક્ટરથી અંદાજીત 40 લાખ લોકોને રોજગાર મળે છે.

એક વર્ષ પહેલા 2023-24મા ભારત 23 ટકા 17.9 લાખ ગાંસડી સાથે પહેલા ક્રમાંકે હતું.  બંગલાદેશના આપૂર્તિકર્તામાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ આફ્રિકી દેશ પણ સામેલ છે. જો કે તે બ્રાઝીલની નજીક પહોંચી શકે તેમ નથી. આંકડા અનુસાર 2024-25મા બંગલાદેશે  રેકોર્ડ 82.8 લાખ ગાંસડી (1 ગાંસડી - 480 પાઉન્ડ) કપાસની આયાત કરી હતી. જેમાં બ્રાઝીલ દ્વારા 19 લાખ ગાંસડી અને ભારત દ્વારા 14 લાખ ગાંસડીની આપૂર્તિ કરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક