• મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

લાલપુરના કાનાલુસમાં ટ્રકચાલકે બે શ્રમિકને ઠોકરે ચડાવ્યા : એકનું મૃત્યુ

વાહનોની કતારમાં ઉભા હતા ત્યારે પૂરઝડપે આવતા ટ્રકચાલકે સર્જ્યો અકસ્માત

જામનગર, તા.12 : જામનગરના લાલપુર નજીક કાનાલુસ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવેલા ટ્રકચાલકે વાહનોની કતારમાં ઉભેલા બે શ્રમિકને ઠોકરે ચડાવતા એકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગર નજીક લાલપુરના કાનાલુસ વિસ્તારમાં ખાનગી કંપનીના એરિયામાં સલ્ફર ભરવા માટે કેટલાક ટ્રક ચાલકો અને ટ્રકમાં કામ કરતા કર્મચારીઓ કતાર બંધ ઊભા હતા ત્યારે ટ્રકમાં કામ કરતા બે ખલાસી રોડની સાઇડમાં પોતાના ટ્રકની નજીક ઉભા હતા દરમિયાન પૂરઝડપે આવતા ટ્રક ચાલકે બે ખલાસી વિરમ કાળાભાઈ ગરસર તેમજ રજિન્દરાસિંઘ પંજાબીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિરમભાઈનું ગંભીર ઇજા થવાનાં કારણે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજા યુવાનને ગંભીર ઈજા થતા સારવાર માટે પ્રથમ જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 આ અકસ્માતના બનાવ અંગે ખલાસી જે ટ્રકમાં કામ કરતા હતા તે ટ્રકના ચાલક આલાભાઈ મોરીએ મેઘપર પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક