ખેડૂત છ લાખનું મહિને રૂ.7ર હજાર
વ્યાજ ચૂકવતા’તા
ગોંડલ, તા.13 : વાછરા ગામના ખેડૂતે
છ લાખની સામે રૂ.ર8 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ રૂ.4 લાખની માગણી કરી ધમકાવતા પોલીસમાં
ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ
ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, વાછરા ગામે રહેતા બટુકભાઈ નાનજીભાઈ જેતાણી નામના
ખેડૂતે ર016માં જીઇબીનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો અને તેમાં પૈસાનું રોકાણ કર્યું હતું
પરંતુ બિલ મંજૂર થવામાં વાર લાગતા આર્થિક સંકડામણ અનુભવતાં ગામમાં રહેતા કાળુ ધના ભુડિયા
નામના શખસ પાસેથી રૂ.6 લાખની રકમ વ્યાજે લીધી હતી અને દરમહિને રૂ.7ર હજાર વ્યાજ ચૂકવતા
હતા અને પાંચ વર્ષ સુધી વ્યાજની રકમ ભરી રૂ.ર8 લાખ ચૂકવ્યા હતા. આમ છતાં કાળુ ભુડિયા
દ્વારા વધુ રૂ.4 લાખની માગણી કરી ધમકાવવામાં આવતા ખેડૂત બટુકભાઈ જેતાણીએ ફરિયાદ નોંધાવતા
પોલીસે ગુનો નોંધી કાળુ ધના ભુડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.