કેશોદ, તા.13 : ચર ગામે રહેતા
આધેડે માંગરોળ પંથકમાંથી ખેતમજૂરી કામે આવેલો મજૂર પરત્રી બાબતે ખરાબ વાતો કરતો હોય
ઠપકો આપતા તેનો ખાર રાખીને આધેડની તીક્ષ્ણ હથિયાર-બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી
ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે માંગરોળ પંથકના ખેતમજૂર વિરુદ્ધ ગુનો
નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છેકે, ચર ગામે
રહેતા ખીમજીભાઈ બોરખતરિયા નામના આધેડ રાત્રીના ઘેર એકલા હતા ત્યારે માંગરોળના કાલેજ
ગામનો અને બાજુની વાડીમાં ખેતમજૂરી અને ભાગીયુમાં વાડી વાવતો લીલા ભીખા ડાભી નામનો
શખસ ધસી આવ્યો હતો અને ખીમજીભાઈ તીક્ષ્ણ હથિયારના અને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
નિપજાવી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ
સ્ટાફ તથા પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસની
પ્રાથમિક તપાસમાં મૃતક ખીમજીભાઈ તથા તેની પુત્ર વધુ કિરણબેન અને પૌત્રી વાડીએ ઘેર એકલા
હતા. દરમિયાન રાત્રીના ખીમજીભાઈ પર હુમલો થતા દેકારો થવાથી પુત્રવધૂ કિરણબેને દરવાજો
ખોલવા જતા બહારથી બંધ હોય પતિ કૌશિકને જાણ કરતા બાજુમાં વાડી ધરાવતા હરેશભાઈ ભાયાભાઈ
વરુ દોડી ગયા હતા અને ખીમજીભાઈની હત્યા થઈ
ગયાની જાણ કરી હતી.
પોલીસની વધુ તપાસમાં બાજુમાં
ખેતમજૂરી કરતા કાલેજ ગામના લીલા ભીખા ડાભી નામના શખસે આગલા દિવસે મૃતક ખીમજીભાઈ પાસે
પરત્રી બાબતે ખરાબ વાતો કરતા લીલા ડાભીને ઠપકો આપ્યો હતો અને બન્ને વચ્ચે ઝઘડો થયો
હતો અને લીલા ડાભીએ મૃતક ખીમજીભાઈને જોઈ લેવાની ધમકી આપી હતી. પોલીસે મૃતક ખીમજીભાઈના
પુત્ર કૌશિકની ફરિયાદ પરથી કાલેજ ગામના લીલા ભીખા ડાભી વિરુદ્ધ ગુનો નોધી શોધખોળ શરૂ
કરી હતી.