• બુધવાર, 16 જુલાઈ, 2025

ઢેઢુકી ગામે પરિણીતાની છેડતી કરનાર ભૂવા પર સાત શખસનો ધારીયા-છરીથી હુમલો પરિણીતા દાણા જોવડાવા ગઈ હતી ત્યારે છેડતી કર્યાની ભૂવા સામે ફરિયાદ નોંધાવી

અંધશ્રધ્ધાના નવા કાયદા હેઠળ પોલીસે ગુનો નોંધ્યો

જસદણ, તા.10 : વીછીયા તાબેના ઢેઢુકી ગામે દાણા જોવડાવા ગયેલી પરિણીતાની છેડતી કરનાર વૃધ્ધ ભુવા પર પરિણીતાના દિયર સહિત સાત શખસોએ ધારીયા-છરીથી હુમલો કરતા ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડયા હતા.પોલીસે ભુવા સામે અંધશ્રધ્ધાના નવા કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે,ઢેઢુકી ગામે રહેતા ચકુભાઈ પોલાભાઈ સાંકળીયા નામના વૃધ્ધએ ચોટીલાના દેવપરા (નવાગામ)માં રહેતા વિશાલ સામંત મેણીયા તથા છ અજાણ્યા શખસો વિરુધ્ધ ધારીયા-છરીથી હુમલો કરી ખુની હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં વૃધ્ધ ચકુભાઈ તેની વાડીના મકાને સુતા હતા ત્યારે વિશાલ સહિતના સાત શખસો ધસી આવ્યા હતા અને કયાં છે ભૂવા તેમ કહી તેની ભાભીની છેડતી કર્યાનો આક્ષેપ કરી હથિયારોથી હુમલો કર્યો હતો અને ચકુભાઈના પુત્ર ધનજીને મારકુટ કરી હતી અને ચકુભાઈની પત્નીની સાડી ખેંચી મારામારી કરી ધમકી આપી નાસી છુટયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા ભૂવા ચકુભાઈને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસની વધુ તપાસમાં હુમલાખોર વિશાલના ભાઈ ભાભી ર0 દીવ પૂર્વે ભૂવા ચકુભાઈ પાસે દાણા જોવડાવા ગયા હતા ત્યારે ચકુભાઈએ દાણા જોવાનું બંધ કરી દીધાનું કહી દાદાની માનતા રાખવાનું કહ્યંy હતું. બાદમાં વિશાલના ભાઈ-ભાભી માનતા કરવા ગયા હતા ત્યારે વિશાલના ભાઈએ તેની પત્નીની ભૂવા ચકુભાઈએ છેડતી કર્યાની વાત કરતા વિશાલ સહિતના શખસોએ ચકુભાઈ પર હુમલો કર્યો હતો. જયારે સામાપક્ષે પરિણીતાએ પણ વૃધ્ધ ભૂવા ચકુભાઈ સાંકળીયા સામે છેડતી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ભૂવા ચકુભાઈ સામે અંધશ્રધ્ધાના નવા કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક