• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

કેશોદ પંથકમાં પરિણીતાને મારકૂટ કરી દુષ્કર્મ આચરનાર પંચાળા ગામના તાંત્રિકની ધરપકડ

ઘરમાં સુખશાંતિ માટે વિધિ કરવાના બહાને ઘેર બોલાવી પોત પ્રકાશ્યું

જૂનાગઢ, તા.1ર : કેશોદ પંથકમાં રહેતી એક પરિણીતાને ઘરમાં સુખશાંતી માટેથી વિધિ કરવાના બહાને પંચાળા ગામના તાંત્રિકે ઘેર બોલાવી મારકૂટ કરી દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી તાંત્રિક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, કેશોદ પંથકની પરિણીતાને તેના પતિ સાથે અવારનવાર ઝઘડા થતાં હોય અને કામધંધો બરાબર ચાલતો ન હોય પંચાળા ગામે રહેતા રણજીત બઘા પરમાર નામના તાંત્રિક વિધિ કરતા શખસને વાત કરી હતી અને રણજીત પરમારે પરિણીતાને રાત્રીના વિધિ કરવાની વાત કરી હતી. બાદમાં રણજીત પરમાર પરિણીતા ઘેર એકલી હતી ત્યારે ગયો હતો અને વિધિ કરવાના બહાને દીવો પ્રગટાવી ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને પરિણીતાને બે ત્રણ ફડાકા માર્યા હતા ને બાદમાં ધમકાવી પરિણીતા સાથે રણજીત પરમારે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં રણજીત પરમાર નાસી છૂટયો હતો.

આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ સહિતના પરિવારજનોને વાત કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે તાંત્રિક રણજીત બઘા પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક