• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

વિભાપર ખેડૂતને ધમકાવી 15 લાખની સામે સાડા ત્રણ કરોડની માગણી કરનાર બે વ્યાજખોરની ધરપકડ

એક સાગરીત ફરાર  : જામનગરના બન્ને શખસ સામે અગાઉ ગુજસીટોકનો ગુનો નોંધાયો’તો

જામનગર, તા.1ર : જામનગરમાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા બે ગુનેગાર ભાઈએ વિભાપરના ખેડૂતને 1પ લાખની સામે સાડા ત્રણ કરોડની પઠાણી ઉઘરાણી કરી જમીન પચાવી પાડવાનો કારસો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો હતો અને બન્ને ગુનેગાર બંધુની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

આ અંગેની વિગત એવી છે કે, વિભાપર ગામ રહેતા ખેડૂતે નાણાંની જરૂરિયાત ઉભી થતાં જામનગરના કુખ્યાત અને અગાઉ ગુજસીટોકના ગુનામાં પકડાયેલા અને હાલમાં જામીન મુક્ત થયેલા યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને અશોક ચંદારાણા પાસેથી રૂ.1પ લાખની રકમ વ્યાજે લીધી હતી. બાદમાં ત્રણેય શખસે ખેડૂતની જમીન પચાવી પાડવાનો કારસો કરી સાડા ત્રણ કરોડની રકમની માગણી કરી ધમકાવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે ખેડૂતે એસ. પી. પ્રેમસુખ ડેલુ સમક્ષ ફરિયાદ કરતા તાકીદે બી ડિવિ.પોલીસે યશપાલસિંહ જાડેજા, જસપાલસિંહ જાડેજા અને અશોક ચંદારાણા વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને જશપાલસિંહ અને યશપાલસિંહ જાડેજાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા જ્યારે અશોક ચંદારાણાની શોધખોળ શરૂ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક