• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

રામોદના યુવાનની હત્યા પ્રકરણમાં બહેનની સાસુ સહિત ત્રણ ઝડપાયા હત્યારી વેવાણ અવારનવાર સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી ધમકી આપતી’તી

સરધારથી નીકળેલા યુવાનનો ત્રણેયે પીછો કરી સર ગામ પાસે ઢીમ ઢાળી દીધું

રાજકોટ, તા.19 : કોટડા સાંગાણી તાબેનાં રામોદ ગામનો અને સરધારમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વેપારી યુવાનની સર ગામની સીમમાં અજાણ્યા વ્યક્તિઓએ છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. દરમિયાન આ બનાવ અંગે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી મોવિયા ગામે રહેતી વેવાણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને પોલીસે વેવાણ અને બે સગીરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રામોદ ગામે મોટા માંડવા રોડ પર વણકર વાસમાં રહેતા અને સરધાર ગામે બસ સ્ટેશન સામે ઘનશ્યામ ઇલે.નામે દુકાન ધરાવતાં અને આધાર કેન્દ્ર ચલાવતા ગિરીશ દિલીપભાઈ રાઠોડ નામના વેપારી યુવાનની સર ગામની સીમમાં અજાણ્યા શખસે છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં મૃતક ગિરીશને પેટ, મોઢા અને માથાના પાછળના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગેની જાણ થતાં મૃતક ગિરીશના પિતા દિલીપભાઈ સહિતના પરિવારજનો દોડી ગયા હતા.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ગિરીશ ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો અને મૃતક ગિરીશની બહેન જયશ્રીના ત્રણેક વર્ષ પહેલાં ગોંડલના મેવિયા ગામના અજય નરેશભાઈ સોહેલિયા નામના યુવાન સાથે લગ્ન થયા હતા અને એકાદ વર્ષ બાદ બન્ને વચ્ચે અણબનાવ થતાં છૂટાછેડા થઈ ગયા હતા અને જયશ્રી માવતરે આવતી રહી હતી. છૂટાછેડા થઈ ગયા બાદ જયશ્રી અને અજય વચ્ચે મોબાઇલ ફોનમાં વાતચીત થતી હતી. ત્યારબાદ ત્રણેક માસ પહેલાં અજયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આથી વેવાણ સોનલબેન નરેશ સોહેલિયાએ તેના પુત્રના આપઘાત માટે પુત્રવધૂ જયશ્રી જવાબદાર હોય અને મારો દીકરો ગયો તેમ હવે તમારો દીકરો પણ જાશે. તેવી સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી અવારનવાર ધમકી આપતી હતી અને ગત બપોરના ગિરીશની હત્યા કરી નાખવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસે રામોદ ગામે રહેતા મૃતક ગિરીશના પિતા દિલીપભાઈ કમાભાઈ રાઠોડની ફરિયાદ પરથી મોવિયા ગામે રહેતી વેવાણ સોનલબેન નરેશ સોહેલિયા વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને પોસઇ જે. જી. રાણા તથા સ્ટાફે મોવિયા ગામેથી સોનલબેન નરેશ સોહેલિયાને ઝડપી લઈ આકરી પૂછતાછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને હત્યાના બનાવમાં સાથે ભત્રીજાની સગીર પુત્રી અને કુટુંબનો એક સગીર સાથે હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.

પોલીસની વધુ તપાસમાં મૃતક ગિરીશ ગત તા.18/1ના સરધારથી બાઇક લઈને નીકળ્યો હતો ત્યારે વેવાણ સોનલબેન અને બન્ને સગીરે પીછો કર્યે હતો અને સર ગામની સીમમાં આંતરી આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025