અમદાવાદ, તા. 19: અમદાવાદમાં
નરોડા પાટિયાથી ગેલેક્સી જવાના રસ્તા ઉપર એક કારચાલકે કારને નો-પાર્કિંગમાં સાંકડા
રોડ પર ઊભી રાખીને દરવાજો ખોલ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી બાઇક પર બેઠલી બન્ને
વ્યક્તિ નીચે પટકાઈ હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકનું ટાયર બાઇકચાલક પર ફરી
વળતાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા પ્રવીણ હિંગુ તેમના
ભાઈ રાકેશ હિંગુ સાથે બાઇક ચલાવીને નરોડા બેઠકથી ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ પર જઈ
રહ્યા હતા ત્યારે અચાનક જ એક કાર ચાલકે સર્વિસ રોડ ઉપર નો-પાર્કિંગમાં કાર ઊભી રાખી
હતી અને અચાનક જ ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલ્યો હતો. આ દરવાજો ખોલતાં બાઇક ચલાવનાર પ્રવીણ
હિંગુ અને તેની પાછળ બેઠેલા રાકેશ હિંગુ નીચે પડી ગયા હતા. આ દરમિયાન એક આઇસર ટ્રક
પાછળથી આવી રહી હતી અને બન્ને ભાઈ ટ્રકની નીચે આવી ગયા હતા.
ટ્રક નીચે આવતાં પ્રવીણભાઈને
શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા હતા. અહીં ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા જ્યારે રાકેશભાઈને જમણા પગના
ભાગે તથા શરીરે ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના
સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવ અંગે જી-િડવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે
ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.