આરોપીને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
અમદાવાદ, તા. 25: ખંભાત સેશન્સ
કોર્ટે એક ચકચારી કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ
આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ડબલ ફાંસીની સજા ફટકારી છે.
ખંભાત સેશન્સ કોર્ટે આરોપી અર્જુન ગોહેલને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી,
ડબલ ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદો ન્યાયની દિશામાં એક ઐતિહાસિક પગલું છે, જે પીડિતા
અને તેના પરિવારને ન્યાય અપાવવા સાથે સમાજમાં આવા જઘન્ય ગુનાઓ સામે કડક સંદેશ આપે છે.
આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ
સ્ટેશન હેઠળના કાણીસા ગામમાં તા.28મી ઓક્ટોબર-2019ના રોજ 7 વર્ષની નાની બાળકી પર રેપ
અને હત્યા જેવો જઘન્ય ગુનો બન્યો હતો. આ ગુનામાં 24 વર્ષિય આરોપી દડો ઉર્ફે અર્જુન
અંબાલાલ ગોહેલ વિરુદ્ધ દોઢ મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે મહિલાઓ અને બાળકો
પર થતા અત્યાચાર, શોષણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી
છે. રાજ્ય સરકાર આવા ગુનેગારોને ટૂંકા સમયગાળામાં કડકમાં કડક સજા મળે તે માટે સતત પ્રયાસો
કરી રહી છે. આ ચુકાદો ગુજરાતમાં આવા ગુનાઓને કોઈપણ રીતે સહન નહીં કરવામાં આવે તેવો
સ્પષ્ટ સંદેશ આપે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેના પરિવારને
ન્યાય અપાવવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર તમામ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા
છે. આ સાથે, તેમણે ન્યાયતંત્રનો આભાર માન્યો છે, જેમણે આ ગંભીર ગુનામાં ન્યાયની ઝડપી
અને નિષ્પક્ષ પ્રક્રિયા દ્વારા ચુકાદો આપ્યો. આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ
તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું
પ્રતીક છે તેમ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યંy છે.