કટીંગ
સમયે જ પોલીસ ત્રાટકી, બે ઝડપાયા-બે ફરાર
પોરબંદર,
તા.16: પોરબંદરના બોખીરામાં રબારી સમાજની વાડીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ
ભરેલા ટ્રકને લાવીને તેમાંથી એક બોલેરોમાં દારૂનું કટીંગ કરવામાં આવતું હતું ત્યારે
મોડી રાત્રે બાતમી મળતા પોલીસ ત્રાટકી હતી અને વિદેશી દારૂ, ટ્રક, બોલેરો, મોબાઇલ સહિત
66 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખસોને પોલીસે પકડી પાડયા હતા. જ્યારે બંને વાહનના
ડ્રાઇવરો દિવાલ કુદીને નાશી ગયા હતા તે ઉપરાંત માલ મંગાવનાર બોખીરાના ઇસમનું નામ ખૂલતા
તેની સામે પણ ગુનો દાખલ થયો છે.
પોલીસે
ટ્રકમાં તલાસી લેતા સીમેન્ટના પીઢીયાની આડશમાં છુપાવેલો વિદેશી દારૂની પેટીઓ મળી આવી
હતી. આજુ બાજુમાં સ્થાનિક લોકો રહેતા હોવાથી
મોટી માત્રામાં ટોળુ ભેગુ થવાની શકયતા રહેલી હોવાથી દારૂના જથ્થાને નીચે ઉતારીને ગણતરી
કરવી હિતાવહ નહી જણાતા બંને ઇસમોને પોલીસની વાનમાં બેસાડી ટ્રકને અને બોલેરોને ઉદ્યોગનગર
પોલીસ મથક ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેની ગણતરી કરવામાં આવી હતી. કુલ
11,868 બોટલ દારૂ જેની કિંમત રૂ.35 લાખ 54 હજાર 932 થવા જાય છે. તે કબજે કરવામાં આવી
હતી. તથા 25 લાખ રૂપિયાનો ટ્રક, પાંચ લાખ રૂપિયાનો
બોલેરો અને ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ.66 લાખ 54 હજાર 932નો મુદ્દામાલ જપ્ત થયો હતો.
પોલીસે
પકડાયેલા બંને ઇસમો દેવા જેઠા કોડીનાયતર અને કરમણ રૈયા કોડીયાતરની પૂછપરછ કરતા તેઓએ
એવી કબુલાત આપી હતી કે આ દારૂનો જથ્થો બોખીરામાં રહેતા દેવા લાધા મારૂએ મંગાવ્યો હતો
અને ટ્રક ડ્રાઇવર કે બોલેરો ડ્રાઇવરને તે ઓળખતા નથી તેમ જણાવતા પોલીસે બંનેના અજાણ્યા
ડ્રાઇવરો, દારૂ ઉતારતા પકડાયેલાબે શખસો અને માલ મંગાવનાર સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી
કરી છે.