• મંગળવાર, 17 જૂન, 2025

પોરબંદરમાં નવ સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો

પોરબંદર, તા.16: પોરબંદરમાં બે સાયકલની ચોરી થયાનો ભેદ એક યુવાને ઉકેલ્યો હતો. પુત્રની જ સાયકલ ચોરી જનાર શખસને રંગે હાથ પકડી પાડયા બાદ પોલીસને સોંપ્યો હતો. આ શખસે કુલ નવ જેટલી સાયકલ ચોર્યાની કબૂલાત કરતા પોલીસે એ તમામ સાયકલ કબજે કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે.

પોરબંદરના લીબર્ટી વિસ્તારમાં રઝા પ્લાયવુડ સામેની ગલીમાં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે વ્યવસાય કરતા આશિફ બસીર  ઢીલાએ તેના બાર વર્ષના પુત્રની પાંચ હજારની સાયકલ કોઇએ ચોરી લીધાની હોવાનું જણાતા પોલીસ ફરિયાદ નોંધાવવાની સાથોસાથ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા એ ઇસમનો ચહેરો સ્પષ્ટ જણાતો હતો. આથી ત્યાં વોચ ગોઠવીને તેણે એ ઇસમને પકડી પાડયો હતો અને પૂછપરછ કરતા તે આશાપુરા ચોકમાં ઘાસ ગોડાઉનવાળી ગલીમાં રહેતો મનીષ ઉર્ફે મોબાઇલ ગીગા મઢવી હોવાનું જણાવ્યું હતું. આથી કોન્ટ્રાકટરે એ શખસને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

પોલીસ દ્વારા ચોરી થયેલી સાઇકલ બાબતે આગવી ઢબે પૂછપરછ કરતા ખાડીમાં ખાચામાં સાયકલો સંતાડેલી છે તેવું જણાવતા જે જગ્યાએથી બે સાયકલ તથા અન્ય સાત સાયકલ મળી કુલ 9 સાયકલ પડેલી હોય જે સાયકલો બાબતે પૂછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ના આપતા સાઇકલો કબજે કરી આરોપીની અટક કરી છે.

છરી સાથે પંજાબી આધેડ ઝડપાયો: પોરબંદરના બોખીરા વિસ્તારમાં વાછરા ડાડાના મંદિર સામે રહેતો બલવીરસિંગ ઉર્ફે પીલ્લુ કરતારસિંગ સીંગલીકર (ઉં.વ.51) કાર લઇને ચૌટા ચેક પોસ્ટ પાસેથી નીકળતા પોલીસે તેની કારની તલાસી લીધી હતી. કારમાંથી સ્ટીલની છરી મળી આવી હતી. તેથી એક લાખની કાર તથા છરી સહિત મુદ્દામાલ સાથે બલવીરસિંગની ધરપકડ કરીને તે કોઇ ગુનાહિત કૃત્ય કરવા માટે જતો હતો કે કેમ ? સહિતની વિગતો બહાર લાવવા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક