રાણાવાવ
કોર્ટમાં બેલીફની ફરજમાં રુકાવટ
પોરબંદર,
તા.10: રાણાવાવના ચાખડીવાડીબાગમાં રહેતા અને રાણાવાવની કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતા
જીજ્ઞેશ ભનુભાઈ બોરીચા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તા.8-12ના રાણાવાવની
કોર્ટ ખાતેથી આદિત્યાણા ગામે પી.જી.વી.સી.એલ.ના દાવાનું સમન્સ બજાવવા માટે રવાના થયા
હતા અને રમેશ પોલા ગુરગુટિયાના ઘરે ગયા હતા. કેસની મુદત તા.18-12-2025 હોવાથી પી.જી.વી.સી.એલ.ના
દાવાના સમન્સથી વાકેફ કરીને મુદતની તારીખ રમેશ ગુરગુટિયાને જાણ કરી હતી અને સમન્સમાં
સહી કરવાનું કહેતા રમેશે સહી કરવાનો ઈનકાર કરીને સમન્સની નકલ સ્વીકારવાનો પણ ઈનકાર
કર્યો હતો. રમેશે સમન્સનો ફોટો પાડવાનું કહ્યું હતું. આથી ફરિયાદીએ ફોટો પાડવાની ના
પાડી હતી. તેમ છતાં કોર્ટનું ઓરીજીનલ સમન્સ બેલીફ જીજ્ઞેશ પાસેથી બળજબરીથી ઝુંટવી લઈને
રમેશ પોલા ગુરગુટિયાએ તેનો ફોટો પાડી લીધો હતો અને ઉશ્કેરાઈને કહેવા લાગ્યો હતો કે,
‘આવા તો કેટલાય સમન્સ આવે ને જાય’ આજ પછી ક્યારેય બીજીવાર મારા ઘરે સમન્સની બજવણી કરવા
આવતો નહીં તેમ કહીને ઓરીજીનલ સમન્સની કોપી ફાડી નાખી હતી.