• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

જો હું ગાડીની પાછળ ફસાયો ન હોત, તો હજુ વધુ લોકોનાં મૃત્યુ થયા હોત, સાક્ષીની જુબાની

અમદાવાદ ઈસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં ટ્રાયલ ચાલુ

અમદાવાદ, તા.10: ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં નવ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ કેસમાં હાલમાં કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. આ ચકચારભર્યા કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે આજે વધુ એક સાક્ષી મિઝાન ઈરફાન ભાડભૂજાએ જુબાની આપી હતી. સાક્ષીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ જણાવ્યુ હતું કે, તથ્યની ગાડી એટલી બધી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃતદેહના ખડકલા થઈ ગયા હતા. જો હું ગાડીના પાછળના ટાયરે ન ફસાયો હોત તો હજુ વધુ લોકોના મોત થઈ ગયા હોત એવો ચોંકાવનારો ઘટસ્ફોટ આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજા પામનાર સાક્ષી મિઝાન ભાડભૂજાએ કર્યો હતો. આ મામલે આગામી દિવસોમાં વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.

ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલએ સર્જેલા અકસ્માતમાં ઈજા પામનાર સાક્ષી મિઝાન ઈરફાન ભાડભૂજા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ હાજર રહ્યો હતો. મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ તેની જુબાની લીધી હતી. જેમાં તેણે જણાવ્યુ હતું કે, ઘટનાના દિવસે રાત્રે ત્યાં થાર ગાડીનો અકસ્માત થયો હતો. ત્યારે મારા સહિતના મિત્રો અને લોકો અમે અકસ્માત જોવા માટે પહોંચ્યા હતા, ત્યારે 12 વાગ્યાની આસપાસ એક સફેદ કલરની જેગુઆર કાર પૂરપાટ ઝડપે આવી હતી. બેકાબૂ અને જબરદસ્ત ઓવરસ્પીડમાં આવેલી ગાડીએ પળવારમાં લોકોને કચડી નાંખ્યા હતા. ગાડી મારા પર પણ ફરી વળી હતી અને હું આગળના ટાયર પર કચડાયા બાદ પાછળના ટાયરમાં ફસાઈ ગયો હતો.

મેં બચવા માટે બૂમાબૂમ કરતાં મારા મિત્ર ત્યાં આવ્યા હતા. અકસ્માત સમયે બહુ લોકોને ત્યાં આસપાસ પડેલા મેં જોયા હતા. ત્યારે જેગુઆર ગાડીમાંથી ત્રણ-ચાર લોકો ઉતર્યા હતા. ત્યારે ગાડી તથ્ય પટેલ ચલાવતો હોવાની મને જાણ થઈ હતી. તથ્યને લોકોએ ઝડપી લીધો હતો ત્યારે કહ્યું હતું કે, મારા પિતા આવે છે, આ સમયે બહુ લોકો નીચે આમ તેમ મૃત હાલતમાં પડેલ હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક