• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

ઉપલેટાના રાજપરમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી

ભોગ બનનાર પ્રૌઢનો 60 લાખનો વીમો પકવવા માટે તેના પુત્રએ અને પિતરાઈ ભાઈએ હત્યાનું કાવતરું ઘડયું

ઉપલેટા, તા.11: રાજપરા ગામ પાસે ચકચારી હત્યાની ઘટનામાં પ્રૌઢની હત્યા તેના પુત્ર અને ભત્રીજાએ કર્યાનું બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પુત્રને ઈઝરાયેલ જવું હોવાથી ખર્ચના રૂા.16 લાખ મેળવવા માટે પિતરાઈ ભાઈ સાથે મળી પુત્રએ પિતાની હત્યાનું કાવતરું ઘડયું હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે.

રાજપરા ગામે રહેતા કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉ.વ.50)ની બે દિવસ પહેલા લાશ તેમની વાડીમાંથી મળી આવી હતી. કાકા કાનાભાઈ બાઈક લઈને ઢાંક તરફ જતા હતા. ત્યારે પડી જતા ઈજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેવી ભત્રીજા વિરમ જોગે સ્ટોરી ઘડી હતી પરંતુ મૃતક પ્રૌઢના શરીર પર અકસ્માતમાં ઈજા થઈ હોય તેવા કોઈ નિશાન જોવા ન મળતા પોલીસને શંકા જતા મૃતક પ્રૌઢનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમં પ્રૌઢની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ બનાવમાં ભાયાવદર પોલીસને ભોગ બનનારના ભત્રીજા ઉપર શંકા જતા પોલીસે તેના ભત્રીજા વિરમની પુછપરછમાં ચોંકાવનારી વિગતો  બહાર આવી હતી. ભત્રીજા વિરમે મૃતકના પુત્ર રામદે કાનાભાઈ જોગ સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું હતું અને આ બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

મૃતક પ્રૌઢના પુત્ર રામદે જોગને નોકરી કરવા માટે ઈઝરાયેલ જવું હોવાથી તેના માટે 16 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હતો. આજથી એકાદ વર્ષ પહેલા તેના પિતા કાનાભાઈના નામનો એચડીએફસીનો વીમો ઉતરાવ્યો હતો. આ વીમામાં જો પિતાનું મૃત્યુ થાય તો પુત્રને 60 થી 70 લાખ રૂપિયા મળે તેમજ આ વીમાનું બીજુ પ્રીમિયમ ભરવાનો સમય પણ થઈ ગયો હોવાથી મોટાબાપુના દીકરા વિરમ ભુપતભાઈ જોગને પિતાની હત્યા કરવાનું જણાવ્યું હતું. તેના બદલામાં પિતરાઈ ભાઈ વિરમને રૂા.1 લાખ આપવાની અને તે જીવે ત્યાં સુધી ભોજન આપવાની આરોપી રામદેએ લાલચ આપી હતી. બાદ પિતરાઈ ભાઈ વિરમ તેના જ કાકાની હત્યા કરવા માટે તૈયાર થઈ ગયો હતો. ત્યાર બાદ આરોપી પુત્ર રામદેએ તા.8ના રોજ પિતાને ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હતી. ત્યારે તેણે ઉલ્ટીઓ કરી નાખતા પ્રૌઢનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ આરોપી પુત્રએ તેને કુહાડી વડે હત્યા કરવાનું કહેતા આરોપી વિરમે તા.9ના રોજ તેના કાકાના ભાઈને માથામાં કુહાડી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાની કબૂલાત આપી હતી. આ અંગે પોલીસે બંનેની ધરપકડ કરી કુહાડી કબજે કરી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક